મોડાસા કોંગ્રેસમાં ભંગાણ: રાજાબાબુ ૩૦૦ થી વધુ કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. અરવલ્લી જીલ્લા કોંગ્રેસ ઉમેદવારોમાંની પસંદગી છેલ્લી ઘડી સુધી મનોમંથન કરી રહી છે જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ પણ થઇ ગયું છે ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં ભારે ભડકો થઇ રહ્યો છે. મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે હજુ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં અવઢવની સ્થીતીમાં છે
તે પહેલા જ કોંગ્રેસમાં ટીકીટની દાવેદારી કરનાર અને પૂર્વ કોર્પોરેટર અને લઘુમતી સમાજમાં આગવી લોકચાહના ધરાવનાર સિકંદરભાઈ સુથાર ઉર્ફે રાજબાબુ તેમના ૩૦૦ થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસનો સાથ છોડી AIMIM માં “બહોત દિયા કોંગ્રેસ કા હાથ આઓ અબ ચલે મીમ કે સાથ” ના નારા વાજતે-ગાજતે જોડાઈ જતા ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
મોડાસા શહેરમાં કોંગ્રેસ માટે એક સાધો અને તેર તુટે તેવા હાલત જોવા મળી છે.રાજબાબુની લોકચાહનાના બુધવારે રાત્રે દ્રશ્યો જોવા મળ્યા હતા AIMIM જોડાતા પહેલા તેમના સમર્થકોએ ખભે બેસાડી વાજતે ગાજતે જુલૂસ કાઢ્યું હતું
મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો હતો લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવાલાની અને પાર્ટી ફંડના નામે ઉઘરાણું કરી રહી હોવાની અને પાર્ટી ફંડ આપે તેમને ટીકીટ આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
શહેર કોંગ્રેસમાં સતત ભંગાણ થતા નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાસ થાય તેવી સ્થિતીમાં આવી ગયું છે પૂર્વ કોર્પોરેટર અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા સિકંદરભાઈ સુથાર ઉર્ફે રાજબાબુ તેમજ અન્ય યુવા કોંગ્રેસ અગ્રણી તૌસીફ શેખ ૩૦૦થી વધુ યુવા કાર્યકરો સાથે વાજતે ગાજતે AIMIM માં જોડાઈ ગયા હતા. મખદુમ ચોકડી પર જશ્ન જેવો માહોલ જામ્યો હતો.
AIMIM જોડાયેલ રાજબાબુ વોર્ડ.નં-૭ માંથી ચૂંટણી જંગમાં જંપલાવશે મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્પિત મતબેંકના યુવાનોએ કોંગ્રેસનો સાથ છોડતા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઓવૈસીની પાર્ટીએ ભારે ભંગાણ સર્જાતા નેતાઓ દોડતા થઇ ગયા છે. મોડાસા શહેરમાં લઘુમતી સમાજમાં જાણે AIMIM માં જોડાવવા હોડ લાગી હોય તેમ બુધવારે રાત્રે કાર્યાલય પર પાર્ટીના સભ્ય બનવા માટે રીતસર પડાપડી કરી હતી.
મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં AIMIMI પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી જાય તો નવાઈ નહિ….!! મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMIની એન્ટ્રી ભાજપ કોંગ્રેસનું સત્તા હાંસલ કરવાનું ગણીત પર ભારે પડી શકે છે. ઓવૈસીની પાર્ટીના આગમનથી કોંગ્રેસને નગરપાલિકમાં મોટો ફટકો પડી શકે છે નું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી