બાંઠીવાડા ગામે અનુ.જાતિ સમાજની મહિલાઓ પાણીની માંગને લઈ બની રણચંડી, પાણી નહીં તો વોટ નહિ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોનો રોષ પણ ભભૂકવા લાગ્યો છે.કેમ કે વિકાસની વાતોના નામે ખોબે ને ખોબે મત લઇ ગયેલ રાજકીય નેતાઓના વાયદા માત્ર વાયદા જ રહી ગયા છે. ચૂંટાયેલ નેતાઓની ટર્મ પુરી થઇ ગઇ પરંતુ કરેલા વિકાસના કામોના વાયદા તો ત્યાં જ રહી ગયા.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડાના અજુના હીરોલા વિસ્તારમાં અનુસુચિત જાતિ સમાજની મહિલાઓ પાણી અને રોડની સુવિધા થી વંચીત રહેતા રણચંડી બની હતી,
અને દેખાવ યોજી દેખાવ સ્થળે માટલા ફોડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી પાણીં નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર કરી તંત્ર અને નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામના પેટા પરામાં આવેલ અજુના હિરોલા વિસ્તારમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ અને મહિલાઓએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આપી છે.
અજુના હિરોલા ગામના અનુસુચિત જાતિ સમાજના મતદારો અને સ્થાનિક લોકો છેલ્લા કેટલાય વર્ષોથી પાણી અને રોડની સુવિધાથી વંચીત રહેતા પાણી અને રોડની માંગ કરી રહ્યા છે અને નેતાઓ ચૂંટણીમાં મત માંગતા સમયે રોડની ગેરંટી આપીને મત મેળવી વિજયી બંને છે અને પછી મતદારો સમક્ષ આપેલ ગેરંટી તો દુર રહી જીતેલા કે હારેલા નેતાઓ ગામમાં નજર કરવા પણ આવતા ન હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્ર અને નેતાઓ દોડતા થયા હતા