બાવળિયાના ખેડૂતે પહેલીવાર દડા જેવા ગોળ લાલચટ્ટક મૂળાનો પાક લીધો
આ ગૌપાલક ખેડૂત ગાય આધારિત સેન્દ્રીય ખેતીના હિમાયતી છે…
ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે.
વડોદરા શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ ખેતીમાં નિતનવા લીલા પરાક્રમો કરવા ટેવાયેલા છે.અન્ય ખેડૂતો જ્યારે ખેતીમાં ભરપૂર રાસાયણિક ખાતરો,જંતુનાશકો નો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા ફાંફાં મારે છે ત્યારે વનરાજસિંહ છેલ્લા ઘણાં સમય થી ગાય નું છાણ અને મૂત્ર માં થી ખાતર,જીવામૃત બનાવી ને તેના આધારે શુદ્ધ અને સાત્વિક ખેતી કરે છે.અને તેમના આ સાત્વિક ખેત ઉત્પાદનો ની આગવી બજાર માંગ ઊભી કરી છે.
તેમણે વધુ એક લીલા પરાક્રમ રૂપે આ વર્ષે શાકભાજી ની ખેતીમાં દડા જેવા ગોળ, બીટ ના આકારના અને લાલ ચટાક મૂળા દેશી બિયારણનો ઉપયોગ કરીને ઉગાડયા છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.
મૂળા બહુધા લાંબા અને સફેદ જોવા મળે છે.હાથ જેટલી લંબાઈ અને ખૂબ સારી જાડાઈ ધરાવતા મૂળા પણ ઘણાં ખેડૂતો ઉગાડે છે.વનરાજસિંહ એમાં પણ રતાશ પડતા ગુલાબી રંગના મૂળા ઉગાડતા જ હતા.આ વર્ષે અનોખું બિયારણ જડતા એમણે લાલ અને ગોળ મૂળાની ખેતી કરી.
એ જ પ્રમાણે તેમણે ચાર જાતની વિવિધ રંગી પાલક પણ ઉગાડી છે.તો દેશી ટામેટાં, મરચાં,રીંગણ,ધાણા, પપૈયા,કેળા, કોબીનો અને એક પ્રયોગ તરીકે મોંઘી વિદેશી કુળની બ્રોકોલી નો શાકભાજી પાક લીધો.તેમના આ દેશી બિયારણમાં થી ઉગાડેલા ગૌકૃષીના શાકભાજી પાકો વડોદરા ના શહેરી ગ્રાહકો હોંશે હોંશે ખરીદે છે .
લોકો પશુપાલન છોડી રહ્યાં છે ત્યારે ઓર્ગેનિક ખેતીના હિમાયતી અને તેના માટે રાજ્ય સરકારનું સન્માન મેળવનારા આ ખેડૂત દેશી ઓલાદની ગાયો ઉછેરે છે. તેમણે ગૌપાલન અને સેન્દ્રીય ખેતીને એકબીજાના પૂરક બનાવી,બંને પોષણક્ષમ અને વળતર યુક્ત હોવાનું પુરવાર કર્યું છે.
તેમણે જણાવ્યું કે સહજ નામની સંસ્થાએ દેશી બીજ ને સાચવવા બીજ બેંક બનાવી છે.આ સંસ્થા પાસે થી તેઓ શાકભાજી ના દેશી બીજ મેળવે છે.આવી સંસ્થાઓ ના સંપર્કો તેમને ખેતી સુધારવા અને સાત્વિક બનાવવામાં મદદરૂપ બને છે.ગોળ અને લાલ મૂળા ના દેશી બીજ એમને આ સંસ્થા પાસે થી જ મળ્યા હતા.
વનરાજસિંહ રસ ધરાવતા ખેડૂતો ને ગૌ ઉછેર અને ગૌ દ્રવ્યો આધારિત સાત્વિક ખેતીનું માર્ગદર્શન આપે છે.તેમને કૃષિ મેળાઓના મંચો પર થી ખેડૂતો ને ગાય આધારિત સેન્દ્રીય ખેતી ની દિશા દર્શાવી છે.
તેઓ કહે છે કે જે રીતે લોકો ફેમિલી ડોકટર રાખે છે એ રીતે હવે શુદ્ધ અનાજ,શાકભાજી અને દૂધ ઉત્પાદનો મેળવવા પારિવારિક ખેડૂત ફેમિલી ફાર્મર રાખવાની જરૂર જણાય છે.
કુદરત પાસે માનવ ને આપવા જેવું ઘણું છે.પરંતુ માણસ વધુ મેળવવા,ઝડપ થી મેળવવાની લાહ્યમાં રાહ ભૂલ્યો છે અને ઘણું ગુમાવ્યું છે.વનરાજસિંહ જેવા પ્રયોગશીલ ખેડૂતો કુદરતની મર્યાદા પાળતી ખેતી કરીને સ્વદેશી ખેતીની એ ગુમાવેલી અસ્મિતાને નવી ચેતના આપી રહ્યાં છે.