ઉત્તરાખંડ: તપોવનમાં ફરી વધવા લાગ્યું પાણી, રૈણી ગામમાં અફરાતફરી
ચમોલી, ઉત્તરાખંડમાં ચમોલી ખાતેના રૈણી ગામમાં ગુરૂવારે ફરી એક વખત અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઋષિગંગા નદીમાં પાણી અચાનક વધવા લાગતા પ્રશાસને એલર્ટ જાહેર કરીને રાહત અને બચાવની કામગીરી રોકી દીધી હતી. આ સાથે જ લોકોને ત્યાંથી દૂર ઊંચાણવાળી જગ્યાએ ખસી જવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ બૈરાજનું પાણી વધવાના કારણે લોકોની સાથે સાથે રાહત અને બચાવ કામગીરીમાં વપરાતા ઉપકરણોને પણ ઊંચાણવાળી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
ચમોલીમાં થોડા દિવસો પહેલા હિમસ્ખલન બાદ અચાનક પૂર આવવાના કારણે જાન-માલનું ભારે નુકસાન થયું હતું અને હાહાકાર મચી ગયો છે. ત્યાર બાદ તાજેતરમાં ફરી એક વખત એલર્ટને લઈ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આશરે 200 જેટલા લોકોને નીચેથી ઉપર બોલાવી લેવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના DGP અશોક કુમારે આ સમાચારની પૃષ્ટિ કરી હતી અને તપોવનમાં હાઈએલર્ટ જાહેર કરાયું હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જે સ્થળે રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી લોકોને સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા છે. SDRFની ટીમે રૈણી ગામમાં સૂચના આપી દીધી છે. ઋષિગંગા નદીના પાણીમાં થોડો વધારો થયો છે અને ફ્લોમાં થોડો ફેરફાર થયો છે જેથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે પરંતુ વધુ ડરવાની જરૂર નથી.