પૈસાના અભાવે જેડીએસ કર્ણાટકમાં ચૂંટણી નહીં લડે
રાયચૂર, દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના કેરટેકર એચડી દેવગૌડાએ બુધવારે કહ્યું કે, તેમની પાર્ટી કર્ણાટકની બેલગામ લોકસભા બેઠક અને વસવકલ્યાણ, સિંદગી અને મસ્કી વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી નહીં લડે. આ માટે તેમણે આપેલું કારણ ઘણું જ આશ્ચર્યજનક છે. તેમણે પક્ષ પાસે રૂપિયા ન હોવાથી ચૂંટણી નહીં લડવાનો ર્નિણય કર્યો હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે હજુ આ બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, તેઓ પાર્ટીને ૨૦૨૩માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવા પર પુરું ધ્યાન આપશે. બેલગામ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીના નિધન બાદ પેટાચૂંટણી યોજાવાની છે. તો બસવકલ્યાણ બેઠક ધારાસભ્ય બી નારાયણ રાવના નિધન બાદ ખાલી પડી છે. મસ્કી વિધાનસભા બેઠક ધારાસભ્ય પ્રતાપગૌડા પાટિલ અયોગ્ય જાહેર થયા બાદ ખાલી પડી છે. તેઓ ૨૦૧૮માં કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી જીત્યા હતા અને હવે તેઓ ભાજપની સાથે છે. સિંગલી વિધાનસભા બેઠક ધારાસભ્ય અને જેડીએસના સીનિયર નેતા એમ સી મનાગુલીના નિધન પછી ખાલી પડી છે.
આ બેઠકો પર પેટાચૂંટણી માટે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેવગૌડાએ એમ પણ કહ્યું કે, આ વર્ષે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઝડકો લાગશે. તેમણે કહ્યું કે, ભાજપને તમિળનાડુમાં વધુ બેઠકો નહીં મળે.
દેવગૌડાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બની શકે કે મમતા બેનર્જીને ઓછા મત મળે, પરંતુ સત્તા પર તેઓ જ રહેશે. તેમમે કહ્યું કે, ધારાસભ્યો અને મંત્રીઓએ પાર્ટી છોડવાથી તૃણમૂલ કોંગ્રેસને થોડું ઘણું નુકસાન થઈ શકે છે, પરંતુ મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગત સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવા દરમિયાન કૃષિ કાયદાની વાત કરી હતી.. તે દરમિયાન સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પણ પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાને આ સમગ્ર ચર્ચાને એક ગંભીર રૂપ આપ્યું છે. તેમણ સરકારના જે સારા પ્રયાસ છે, તેની પ્રશંસા પણ કરી છે, સાથે જ સૂચનો પણ કર્યા છે. તેઓ પોતે આજીવન ખેડૂતો પ્રત્યે સમર્પિત રહ્યા છે. હું તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ દેવગૌડાના વખાણ કર્યા તેનું કારણ એ હતું કે, દેવગૌડાએ કૃષિ બિલો પર બોલતા કહ્યું હતું કે, હાલના સમયમાં નાના ખેડૂતો ૯૦ ટકા છે અને આ ૯૦ ટકા ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ કાયદા બનાવાયા છે. દેવગૌડાએ કહ્યું હતું કે, પહેલાની સરકારો પણ નાના તેમજ મધ્યમ ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને સતત તેમના હિતમાં ર્નિણય લેવાને લઈને ચર્ચા કરતી રહી છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ મંત્રીએ આંદોલનનો અંત લાવવાનો પ્રયાસ પણ કર્યો અને આંદોલનકારી ખેડૂતો સાથે ૧૧ વખત ચર્ચા પણ કરી. તેમણે કહ્યું હતું કે, આપણે બધાએ મળીને પ્રયાસ કરવો પડશે કે આંદોલનનો અંત આવે.SSS