વિદ્યાર્થી ૧ મિનિટમાં જવાબ ન આપે તો પ્રશ્ન ગાયબ થઈ જશે
ઓનલાઇન પરીક્ષામાં નવો નિયમ-વિદ્યાર્થીએ નિયમનો વિરોધ નોંધાવ્યો છે, યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના નિયમોને લઈ વિદ્યાર્થીઓમાં રોષ
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજા અને પાંચમાં સેમિસ્ટરની પરીક્ષાઓ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાને લઈ કેટલાક નિયમો બનાવ્યા છે. પરંતુ વિચિત્ર લાગતા આ નિયમને લઈ વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ આ નિયમનો વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના નિયમોને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ આ નિયમોને વિચિત્ર નિયમો ગણાવી નિયમો પાછા ખેંચવા ઉગ્ર માંગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ૫૦ મિનિટમાં ૫૦ પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ આપ્યો છે.
જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ માત્ર એક જ મિનિટ ફાળવવામાં આવશે તેવુ ફરજીયાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. જાે વિદ્યાર્થી એક મિનિટમાં જે તે પ્રશ્નોનો જવાબ ન આપે તો તે પ્રશ્ન સ્ક્રીન પરથી જાતે જ ગાયબ થઈ જશે. આ સિવાય ૫૦ પશ્ન માટે ૫૦ મિનિટ પૂરતી ન હોવાનો સ્પષ્ટ મત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયો છે અને ૯૦ મિનિટનો સમય ફાળવવા માંગ કરી છે.
તેમ જ થોડા સમય અગાઉ લેવાયેલી ઓફલાઇન પરીક્ષાનો કોર્ષ માત્ર ૫૦ ટકા રાખવામાં આવ્યો હતો જ્યારે ઓનલાઇન પરીક્ષા માટે ૧૦૦ ટકા કોર્ષ રાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા સમિતિના સભ્ય પ્રોફેસર પંકજ શ્રીમાળીએ જણાવ્યું હતું કે સ્ક્રીન પર એક મિનિટ બાદ જ બીજાે સવાલ આવશે.
વિદ્યાર્થી ગણતરીની સેકન્ડમાં પણ જવાબ આપી દે તો પણ સવાલ સ્ક્રીન પર ૧ મિનિટ સુધી રહેશે જ. એક પ્રશ્નના જવાબ માટે એક મિનિટ પૂરતી છે. નીટ અને જીઈઈની પરીક્ષામાં પણ આ પ્રકારે જ સમય ફાળવવામાં આવે છે. વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થાય એ માટે વિદ્યાર્થીઓ નિશ્ચિત રહે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગમે તેટલો સમય આપીએ એ ઓછો જ પડે. વિદ્યાર્થીઓ માંગણી કરે એ એમનો હક્ક છે પણ આ સમય પૂરતો છે. ૯૦ મિનિટ આપવામાં આવે એ વાતમાં પણ દમ નથી.