ધારાસભ્યને પ્રશ્નો પૂછવા પિતા-પુત્રને ભારે પડ્યા
મત માંગવા આવેલા ઉમેદવારો અને ધારાસભ્યએ માસ્ક નથી પહેર્યું તો તેમને કોણ દંડ ફટકારશે? આવી વાત બાદ ઉમેદવારના મળતિયાઓએ યુવકને માર માર્યો હતો.
સુરત, આજકાલ ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પાર્ટીના ઉમેદવારો હાથ જાેડીને મત માંગવા નીકળી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં એક યુવકે ચૂંટણી ઉમેદવારો અને એક સ્થાનિક ધારાસભ્યને સ્થાનિક પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.
આ દરમિયાન રાજકીય આગેવાનોના સાગરીતોએ રજુઆત કરનાર યુવકને માર માર્યો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે બાદમાં રજુઆત કરનાર યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
જે સંદર્ભે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે અને આ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. જે બાદમાં હવે ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોર નજીક હરિદર્શનના ખાડા પાસે આવેલી એક સોસાયટીમાં ગતરોજ વોર્ડ નંબર-૮ની ભાજપની પેનલ તેમજ ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાની રાજકીય પાર્ટીના બેનર હેઠળ લોકોને મળવા પહોંચ્યા હતા.
ઉમેદવારો અહીં લોકો પાસેથી તેમની પાર્ટીને મત માંગવા અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન અહીં રહેતા એક યુવાને ઉમેદવારો સમક્ષ સોસાયટીના રસ્તા મામલે અનેક વખત રજુઆત કરવામાં આવી છતાં કામગીરી ન થતી હોવાનું જણાવ્યું હતું. યુવકે એવું પણ જણાવ્યું હતું કે કોરોના સમયે નગરસેવકો તેમના વિસ્તારમાં ફરક્યા પણ ન હતા.
આ ઉપરાંત સામાન્ય લોકો માસ્ક ન પહેરે તો તંત્ર દંડ ફટકારી રહ્યું છે ત્યારે આજે મત માંગવા આવેલા ઉમેદવારો અને ધારાસભ્યએ માસ્ક નથી પહેર્યું તો તેમને કોણ દંડ ફટકારશે? આવી વાત બાદ ઉમેદવારના મળતિયાઓએ યુવકને માર માર્યો હતો.
જે બાદમાં પોતાની વગ વાપરીને આ યુવાન વિરુદ્ધ પ્રચાર દરમિયાન હંગામો કરવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે યુવકને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ રીતે સુરતના એક યુવકને ઉમેદવારો સામે પોતાના સ્થાનિક પ્રશ્નોન મામલે રજુઆત કરવાનું ભારે પડ્યું છે.