હોસ્ટેલના છાત્રોને વતનમાંથી પરીક્ષા આપવા દેવા રજૂઆત
ધો. ૧૨ સાયન્સમાં લેવામાં આવતી પ્રાયોગિક પરીક્ષા એક વર્ષ પૂરતી શાળા કક્ષાએ લેવામાં આવે તેવી રજૂઆત કરી
અમદાવાદ, હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું વતનમાં બોર્ડની પરીક્ષાનું કેંદ્ર ફાળવવામાં આવે તે માટે બોર્ડના પૂર્વ સભ્ય પ્રિયવદન કોરાટે બોર્ડ સમક્ષ રજૂઆત કરી છે. હોસ્ટેલો શરૂ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ કોરોનાના ડરને લીધે હોસ્ટેલમાં રહેવા નથી આવ્યા.
જેથી તેમને પોતાના રહેણાંક સ્થળની નજીક પરીક્ષા આપવા દેવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સમાં લેવામાં આવતી પ્રાયોગિક પરીક્ષા એક વર્ષ પૂરતી શાળા કક્ષાએ જ લેવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ મામલે બોર્ડના અધ્યક્ષને પત્ર પાઠવીને વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના પગલે માર્ચ ૨૦૨૦થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. શાળા સાથે હોસ્ટેલો પણ બંધ કરી દેવાતા ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ગયા હતા. ત્યારબાદ સરકાર દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવાની જાહેરાત થઈ હતી.
સૌપ્રથમ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો અને ત્યારબાદ ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરાયા હતા. આ સાથે જ સરકારે ટ્યૂશન ક્લાસિસ અને હોસ્ટેલ પણ પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી હતી. જાે કે, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં અનેક વિદ્યાર્થીઓના વાલીઓમાં હજી પણ કોવિડ-૧૯નો ડર છે અને તેઓ પોતાના સંતાનોને હોસ્ટેલમાં મોકલવા માગતા નથી. પરિણામે હજી ઘણા બાળકો હોસ્ટેલમાં આવવાને બદલે પોતાના વતનમાં જ છે.
બોર્ડ દ્વારા મે મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય જિલ્લાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે તે જિલ્લામાં જવાની ફરજ પડી શકે છે. જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના વતન અથવા રહેઠાણ હોય તે વિસ્તાર નજીકના પરીક્ષા કેંદ્ર ખાતે આ વર્ષ પૂરતી બોર્ડની પરીક્ષા આપવા દેવાની મંજૂરી માગવામાં આવી છે.
બોર્ડના પૂર્વ સભ્ય અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મંત્રી ડૉ. પ્રિયવદન કોરાટે બોર્ડના અધ્યક્ષને પત્ર લખીને રજૂઆત કરી છે. આ ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે.
જાે કે, આ વર્ષ પૂરતું જે તે શાળામાં જ શાળા કક્ષાએ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવે તે માટે પણ ડૉ. પ્રિયવદન કોરાટે રજૂઆત કરી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યનું ધ્યાન રાખીને આ બંને રજૂઆતો પ્રત્યે યોગ્ય ર્નિણય લેવામાં આવે તેમ જણાવાયું છે. સાયન્સમાં બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને તેના ખંડ નિરીક્ષકો પણ બોર્ડ દ્વારા મોકલવામાં આવે છે, જાે કે, આ એક વર્ષ પૂરતું શાળા કક્ષાએ પ્રાયોગિક પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે અને સ્કૂલમાં પરીક્ષા હોવાથી ડર પણ ઓછો રહેશે.