સંજૂ સેમસન સહિત છ ક્રિકેટર્સ બોર્ડની ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ
BCCIની નવી ફિટનેસ ટેસ્ટ ફરી ચર્ચામાં-ટેસ્ટ નવી હોવાને લીધે તમામને ફરી ટેસ્ટ કરવાનો મોકો
નવી દિલ્હી, બીસીસીઆઇની નવી ફિટનેસ ટેસ્ટ ફરી ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બોર્ડ ખેલાડીઓની ફિટનેસને જુદા સ્તરે લઇ જવા માટે એક નવા ટેસ્ટની શરૂઆત કરશે, જેમાં તેમણે ૮.૩૦ મિનિટમાં બે કિલોમીટર દોડવું પડશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વ્હાઇટ બોલની ક્રિકેટ પહેલાં કેટલાક ખેલાડીઓએ એનસીએમાં આ ટેસ્ટ આપી.
જેમાં સંજૂ સેમસન સહિત છ ખેલાડીઓ ફેલ થયા હતા. આ ટેસ્ટ નવી હોવાને લીધે તેમને ફરી ટેસ્ટ પાસ કરવાનો મોકો મળશે. ટેસ્ટમાં ફેલ થનારા ખેલાડીઓમાં સંજૂ સેમસન ઉપરાંત ઇશાન કિશન, નીતિશ રાણા, રાહુલ તેવતિયા, સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટના નામ સામેલ છે. બીસીસીઆઇના એક સૂત્રએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, જાે આ ખેલાડી બીજી વખત પણ આ ટેસ્ટને પાસ નહીં કરી શકે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવર સીરિઝમાં તેમની પસંદગીમાં મુશ્કેલી આવી શકે છે.
અગાઉ ૨૦૧૮માં પણ સંજૂ સેમસન, મોહમ્મદ શમી અને અંબાતિ રાયડૂ યો-યો ટેસ્ટ પાસ કરી શક્યાં નહોતો અને તેમને ઇંગ્લેન્ડ પ્રવાસમાં સ્થાન મળ્યું નહોતું. સાથે જ સૂત્રએ જણાવ્યું કે, આ ફિટનેસ ટેસ્ટ માટે કુલ ૨૦ ખેલાડીઓની પસંદગી કરાઇ હતી, જેમની ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સીરિઝ માટે પસંદગી પામવાની આશા હતી. બે કિલોમીટરની આ ફિટનેસ ટેસ્ટ બેસ્ટમેન, વિકેટ કીપર અને સ્પિન બોલર્સને ૮.૩૦ મિનિટમાં પૂરી કરવાની હતી, જ્યારે બોલર્સ માટે આ સમય ૮.૧૫ મિનિટનો રાખવામાં આવ્યો હતો.