ભારતે કોઈ વિસ્તાર ચીનને આપ્યો નથી : રક્ષા મંત્રાલયની સ્પષ્ટતા
નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યુ છે કે ભારતે પૂર્વ લદાખના પેંગોંગ સો વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી કરતા એક પછી વિસ્તાર પરથી પોતાનો દાવો છોડ્યો નથી. જ્યારે દેપસાંગ, હૉટ સ્પ્રિંગ્સ અને ગોગરા સહિત અન્ય પડતર સમસ્યાઓને બંને દેશના સૈન્ય કમાન્ડરો વચ્ચેની આગામી બેઠકમાં ઉઠાવવામાં આવશે. સરકારનું આ નિવેદન કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એવી ટિપ્પણી પછી આવ્યું છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારત માતાનો એક ટુકડો ચીનને આપી દીધો છે.
કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્યને પાછળ હટાવવાની પ્રક્રિયા અંગે કરવામાં આવેલી સમજૂતી પર સવાલ ઊઠાવ્યા છે. જે બાદમાં ભાજપે રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કર્યો હતો. ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ પર વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર બાદ ભાજપાએ શુક્રવારે રાહુલ ગાંધી પર જાેરદાર પલટવાર કર્યો હતો.
પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ કાૅંગ્રેસ નેતાના આરોપને ખોટા ગણાવ્યા હતા. સાથે જ સવાલ પૂછ્યો કે શું આ સૈન્યના પીછેહઠની પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહેલા સશસ્ત્ર દળોનું અપમાન નથી? નડ્ડાએ રાહુલ ગાંધીની એ પત્રકાર પરિષદને સર્કસ કહી હતી જેમાં તેઓએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપા અધ્યક્ષ નડ્ડાએ એક ટ્વીટમાં પછ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) ખોટા દાવા શા માટે કરી રહ્યા છે કે સેનાઓને પાછળ હટાવવી ભારત માટે નુકસાન છે? શું તે કાૅંગ્રેસ-ચીન એમઓયૂનો હિસ્સો છે? રક્ષા મંત્રાલયે પણ પેંગોંગ સો વિસ્તારમાં ‘ફિંગર ૪’ સુધી ભારતીય ભૂમિભાગ હોવાની વાતને ખોટી ગણાવી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ગુરુવારે રાજ્યસભામાં ભારત-ચીન વિવાદને લઈને નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગૂ કરવામાં આવશે. જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે.
જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે. રાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે માં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ. રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાને લઈ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને સેનાઓ પાછળ હટશે.
ચીન પેન્ગોગ ફિંગર ૮ બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રક્ષા મંત્રીએ નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે હૉટ સ્પ્રિંગ, ગોગરા અને દેપસાંગ સહિત પડતર મુદ્દા પર વાતચીત કરવામાં આવશે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભારતીય સૈનિકો ભારતીય ભૂભાગ ‘ફિંગર ૪’થી ‘ફિંગર ૩’ સુધી શા માટે પાછળ હટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંબંધિત ક્ષેત્રમાં પહાડોની ઊંચાઈને ‘ફિંગર’ નામ આપવામાં આવે છે. રક્ષા મંત્રાલયે આના પર કહ્યું કે, ભારતીય ભૂભામ ‘ફિંગર ૪’ સુધી છે એવું કહેવું ખોટું છે.