રણબીર કપૂર અને આલિયાએ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ શરૂ કર્યું
મુંબઈ: લાંબા બ્રેક બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. લવબર્ડ્સની સાથે ફિલ્મના સેટ પર સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પણ હાજર છે. ફિલ્મના સેટ પરથી એક્સક્લુઝિવ તસવીરો મળી છે. શુક્રવારે આલિયા, રણબીર અને નાગાર્જુન મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.
આલિયા, રણબીર અને નાગાર્જુન ત્રણેય અલગ અલગ કારમાં સેટ પર પહોંચ્યા હતા. કારમાંથી ઉતરીને સીધા જ તૈયાર થવા માટે વેનિટી વેનમાં પહોંચી ગયા હતા. તસવીરોમાં જાેઈ શકો છો કે રણબીર કપૂર બ્લેક શર્ટ અને કેપમાં જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે,
કાકા રાજીવ કપૂરના નિધનના ત્રણ દિવસ બાદ રણબીરે ફરીથી શૂટિંગ શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા જ રણબીર લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરીને દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. મુંબઈ આવ્યાના એકાબ-બે દિવસમાં જ કપૂર પરિવારમાં દુઃખદ અવસાન થયું હતું. આલિયા ભટ્ટ પણ બહેનપણીઓ સાથે વેકેશન પતાવીને શૂટિંગમાં જાેડાઈ છે.
રાજીવ કપૂરનું અવસાન થયું એ દિવસે જ આલિયા માલદીવ્સથી પાછી આવી હતી. મુંબઈ આવીને તરત આલિયા રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.
આજે સેટ પર આલિયા સિમ્પલ લૂકમાં જાેવા મળી હતી. સેટ પરની નાગાર્જુનની વધુ એક તસવીર સામે આવી છે. તસવીરમાં જાેઈ શકો છે કે નાગાર્જુનના કપડાં મેલા છે અને લોહી લાગેલું છે. આ પરથી લાગી રહ્યું છે કે, એક્ટરે ફિલ્મ માટે કોઈ એક્શન સીનનું શૂટિંગ કર્યું છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી અયાન મુખર્જીના નિર્દેશનમાં ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જાે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા થોડા મહિનાઓથી શૂટિંગ ખોરવાયું હતું.
હવે ફિલ્મોના શૂટિંગની છૂટ મળતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી દોડતી થઈ છે અને સાથે જ ‘બ્રહ્માસ્ત્ર’નું બાકીનું શૂટિંગ શરૂ થયું છે. અગાઉ અયાન મુખર્જી ઘણીવાર ફિલ્મના લીડ એક્ટર્સ સાથે સ્ટુડિયોમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ કરતો જાેવા મળ્યો હતો. આ ફિલ્મ પહેલા ૨૦૨૦માં રિલીઝ થવાની હતી
પરંતુ મહામારીના કારણે થઈ ના શકી. આતુરતાપૂર્વક રાહ જાેવાઈ રહેલી બોલિવુડ ફિલ્મોમાં ‘બ્રહ્માસ્ત્ર’નો પણ સમાવેશ થાય છે. ત્યારે અહેવાલો છે કે ફિલ્મની ટીમ આ વર્ષના અંતે તહેવારોના સમયે ફિલ્મને રિલીઝ કરવાનો વિચાર કરી રહી છે.