વડસરના એર ફોર્સ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
અમદાવાદ, વડસર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન દ્વારા ‘તમારા પરિવારને બચાવવા માટે પોતાની જાત બચાવો’ નારા સાથે 08 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી 2021 દરમિયાન 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય ટેકનિકલ અધિકારીએ કરાવ્યો હતો અને સહભાગીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે માર્ગ સલામતીના નારાનો સૂત્રોચ્ચાર કર્યો હતો
તેમજ તેમણે સંખ્યાબંધ હોર્ડિંગ્સ, સાઇન બોર્ડ્સ અને વિવિધ પ્રકારના હાથ બનાવટના માર્ગ સલામતીના પ્લેકાર્ડ્સ પણ સાથે રાખ્યા હતા. તમામ એર વોરિયર્સ અને તેમના પરિવારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે તેમજ માર્ગ સલામતીના તમામ ધોરણો અનુસરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને તે સંબંધે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
વિશાળ જનસમૂહમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે માર્ગ સલામતી સંબંધિત ક્વિઝ અને પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંતેજના માર્ગ ટ્રાફિક અધિકારી (RTO)એ તમામ લોકોને માર્ગ સલામતીના મહત્વ વિશે સમજાવ્યું હતું. માન્ય વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમો અને પ્રદૂષણ નિયંત્રણ વગેરેની સાંદર્ભિકતા વિશે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત ઓટોમોબાઇલ કંપનીઓના પ્રતિનિધિઓએ અહીં એર વોરિયર્સના વાહનોની ચકાસણી પણ કરી હતી.
વડસરના AF સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર વિનીત જિંદલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે આ કાર્યક્રમને સારી રાષ્ટ્રીય લાક્ષાણિકતાના પ્રતિક તરીકે ચિહ્નિત કર્યો હતો અને સમાજ પર લાંબાગાળાની તેમજ ટકી રહે તેવી અસર ઉભી કરવા માટે આને હંમેશા ચાલતી રહેતી પ્રક્રિયા બનાવવા માટે અનુરોધ કર્યો હતો.