શ્રીનગરમાં આજે કડક સુરક્ષા વચ્ચે ૧૯૦ શાળા ખુલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Jammu-School1.jpg)
files Photo
જમ્મુ : આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ, સ્કૂલ અને અન્ય પ્રતિબંધો પર હવે મુક્તિ આપવામાં આવી રહી છે. લગભગ ૧૪ દિવસ બાદ આજે શ્રીનગરની ૧૯૦ પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી.
રોહિત બંસલે જણાવ્યું કે શ્રીનગરના ડેપ્યુટી કમિશ્નર ઇકબાલ ચૌધરીએ શનિવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળાઓના વડાઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લાની સ્કૂલોને શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી. સ્કૂલોની સુરક્ષા જિલ્લા પ્રશાસનની મુખ્ય ચિંતા છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે કહ્યું કે હજુ માત્ર શ્રીનગરના ૧૯૦ પ્રાથમિક શાળાઓને ફરી શરૂ કરવામાં આવી રહી છે. શ્રીનગરના જે વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, રાજબાગ, જવાહર નગર, નૌગામ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ સામેલ છે.
કંસલે કહ્યું કે આર્ટિકલ ૩૭૦ હટાવવાને ધ્યાને લઈ જેટલા પણ દિવસ શાળાઓ બંધ રહી છે તેના બદલે આ મહિના બાદ પૂરક વર્ગ લેવામાં આવશે. રાજ્યમાં સ્થિતિ સામાન્ય થતાં જ અન્ય જિલ્લાઓની શાળાઓને પણ શરૂ કરવામાં આવશે.
થોડા દિવસોથી ઘરમાં કેદ બાળકો ફરી એકવાર સ્કૂલોની રોનક વધારતાં જોવા મળ્યા હતા. જોકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને હજુ શરૂ કરવાનો આદેશ નથી આપ્યો. બીજી તરફ, કોઈ પણ અવ્યવસ્થાનો સામનો કરવા માટે સુરક્ષા દળોને ૨૪ કલાક મોરચા પર તહેનાત કરવામા આવ્યા છે.