Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જાે અપાશે : શાહ

નવી દિલ્હી: લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક પાસ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર મુદ્દે બોલતા જણાવ્યું કે, મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરાયા બાદ ઘણું કામ કર્યું છે. આટલું કામ અગાઉ સત્તામાં રહેલી સરકારે ક્યારેય નથી કર્યું.

આંકડાકીય માહિતી સાથે શાહે વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો વિકાસ મોદી સરકારની ટોચની પ્રાથમિકતા છે. જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ અંગે ચર્ચા દરમિયાન વિપક્ષના કેટલાક સભ્યોને શાહે જવાબ આપ્યો હતો.

વિપક્ષના સભ્યોએ એવો દાવો કર્યો હતો કે પ્રસ્તાવિત કાયદાથી પ્રદેશને પુનઃ રાજ્યનો દરજ્જાે નહીં મળી જાય. શાહે વધુમાં સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે, આ કાયદાથી જમ્મુ અને કાશ્મીરના રાજ્યના દરજ્જા સાથે કોઈ લેવાદેવા નથી. જમ્મુ અને કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જાે પરત મળશે.

જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જાે કામચલાઉ છે એમ જણાવતા શાહે કોંગ્રેસ સહિતના વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની તરફેણ કરનારા પક્ષોને ત્યારે વાંધો નહતો જ્યારે કલમ ૩૭૦ હેઠળ હંગામી રાજ્યનો દરજ્જાે હતો અને ૭૦ વર્ષ સુધી તે ચાલુ રહ્યું.

પરંતુ જ્યારે મોદી સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ને રદ કરવાનો ર્નિણય કર્યો ત્યારે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી જ જમ્મુ-કાશ્મીરનો વિકાસ તેમની ટોચની પ્રાથમિકતા રહી છે તેમ શાહે જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ પંચાયતની ચૂંટણીમાં ૫૧ ટકા મતદાન થયું હતું. ક્ષેત્રના વિકાસ માટે પંચાયતોને વહીવટી અને નાણાકીય સત્તા સોંપવામાં આવી છે. અગાઉ પંચાયતો પાસે આ બાબતોનો અભાવ હતો. હવે લોકો દ્વારા પસંદ કરાયેલા જનસેવકો જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે કામ કરી શકે છે. અગાઉની જેમ રાજકીય પરિવારના લોકોને હવે સત્તા વારસામાં નથી મળી શકતી. શાંતિમય માહોલમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં અમારા હરિફો પણ કોઈ ખોટું થયું હોવાનો વાંધો ઉઠાવી શક્યા નથી તેમ શાહે જણાવ્યું હતું.

ક્ષેત્રમાં બે એઈમ્સ શરૂ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ૨૦૨૨ સુધીમાં ખીણ પ્રદેશને રેલવે નેટવર્ક સાથે જાેડાશે. શાહે આશ્વાસન આપતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ સ્થાનિક વ્યક્તિની જમીન જશે નહીં. ક્ષેત્રમાં વિકાસ માટે સરકાર પાસે પુરતી જમીન છે. ૨૦૨૨ સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં ૨૫ હજાર સરકારી નોકરીઓ ઉભી કરાશે તેમ અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.