માલિકની ગેરહાજરીમાં જમીન પચાવી છ માળની ઈમારત બનાવી વેચી નાખી
ચેન્નાઈ: તમે જમીન પચાવી પાડવાના ઘણા મામલાઓ જાેયા કે સાંભળ્યા હશે, પરંતુ ચેન્નઈમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં ચેન્નઈના મદીપક્કમમાં કે. રાજમન્નાર નામની એક વ્યક્તિએ માલિકની અનુપસ્થિતિમાં તેની ૨૪૦૦ સ્ક્વેર ફૂટની જમીન પચાવી પાડી, અને તેના પર ૬ માળની બિલ્ડીંગ ઊભી કરી દીધી. આ બાદ આરોપીએ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને બિલ્ડીંગને વેચી પણ દીધી.
આ બધુ ત્યારે થયું જ્યારે જમીનનો માલિક કામથી બેંગલુરુ ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો તો તેને પોતાના એક માળના ઘરની જગ્યાએ ૬ માળની બિલ્ડીંગ દેખાઈ. આ જાેઈને તે ચોંકી ઉઠ્યો. માલિક નાગલિંગમૂર્તિની ફરિયાદ બાદ પોલીસે ૪૨ વર્ષના આરોપી રાજમન્નારની ધરપકડ કરી લીધી છે.
પોલીસ મુજબ, આરોપી રાજમન્નારે જમીન પચાવી લીધા બાદ તેના પર ૬ માળની બિલ્ડીંગ બનાવીને ગેરકાયદેસર રીતે તેને કોઈને વેચી દીધી. આ દરમિયાન તે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને જમીની માલિકી પણ ટ્રાન્સફર કરવામાં સફળ રહ્યો.
ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, નાગલિંગમૂર્તિએ આ જમીન ૧૯૮૮માં ખરીદી હતી. આ બાદ તેણે જમીન પર એક નાનું એવું મકાન બનાવ્યું. મકાન બનાવવાના ૬ વર્ષ બાદ નાગલિંગમૂર્તિ પોતાના કામના કારણે પરિવાર સાથે બેંગલુરુમાં શિફ્ટ થઈ ગયા. પત્નીના મોત બાદ તેઓ મદીપક્કમના મકાન પર ઘણું ઓછું આવતા હતા.
ચેન્નઈના મલયમ્બક્કમ નિવાસી ૪૨ વર્ષનો આરોપી કે.રાજમન્નાર એક ખાનગી બિલ્ડર માટે કામ કરે છે. આ કેસમાં સંપત્તિ ટ્રાન્સફર કરવાના આરોપમાં તેનો સાથ આપનારા અન્ય ૩ લોકોની પણ ધરપકડ કરામાં આવી છે.