Western Times News

Gujarati News

હિરોઈનના પતિએ ન્યૂડ પોઝ માટે દબાણનો મોડેલનો આક્ષેપ

મુંબઈ: સેલિબ્રિટી બિઝનેસમેન અને બોલીવુડની જાણીતી અભિનેત્રીના પતિનું નામ મુંબઈ પોલીસે ઝડપેલા પોર્ન રેકેટમાં ખૂલ્યું છે. એક મોડેલે કરેલા આક્ષેપ અનુસાર, ઢગલાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને રિયાલિટી શોમાં જજ રહી ચૂકેલી હીરોઈનના પતિએ તેના પ્રોડક્શન હાઉસ દ્વારા શૂટ કરાઈ રહેલા વીડિયોમાં તેને ન્યૂડ પોઝ આપવા માટે દબાણ કર્યું હતું.

મોડેલ દ્વારા એક્ટ્રેસના પતિ સામે જે આરોપ લગાવાયા છે, તેની સત્યતા હાલ ચકાસવામાં આવી રહી છે. એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, ફરિયાદ નોંધવાનું ચાલુ છે, અને કેસ દાખલ કરતા પહેલા મોડેલે જે આક્ષેપ કર્યા છે તેની સત્યતા ચકાસવામાં આવી રહી છે. પોલીસે મંગળવારે હીરોઈનના પતિના એક પૂર્વ કર્મચારીની પણ ધરપકડ કરી હતી.

બીજી તરફ, પોલીસે આ જ કેસમાં ધરપકડ કરાયેલી મોડેલ-એક્ટ્રેસ ગેહના વશિષ્ટ સામે ગેંગરેપ તેમજ ગેરકાયદે રીતે ગોંધી રાખવા સહિતના આરોપ હેઠળ નવો કેસ દાખલ કર્યો છે. ૨૪ વર્ષની એક મોડેલે સનસનીખેજ આરોપ મૂકતા જણાવ્યું હતું કે તેને ત્રણ પુરુષો સાથે સેક્સ્યુઅલ એક્ટ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી, અને તેનો વિડીયો બનાવાયો હતો. આ કાંડમાં રેસ્ક્યુ કરાયેલી મોડેલ્સ દ્વારા આ ચોથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

યુકે સ્થિત એક પ્રોડક્શન હાઉસ કેનરિનના ભારતના પ્રતિનિધિ કામત પર સાતથી આઠ પોર્ન અથવા અશ્લીલ વિડીયો અપલોડ કરવાનો આરોપ છે. આ વિડીયો ગહેના વશિષ્ઠ દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા, અને તેમને એક સબસ્ક્રિપ્શન બેઝ્‌ડ એપ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

ગહેના વશિષ્ઠ સામે થયેલી એક નવી એફઆઈઆરમાં અન્ય એક મોડેલે આક્ષેપ કર્યો છે કે તેને ૧૧ જાન્યુઆરીએ વેબ સિરીઝમાં રોલ ઓફર કરાયો હતો. મોડેલનું કહેવું છે કે તેને જે સ્ક્રીપ્ટ આપવામાં આવી હતી તેમાં ક્યાંય એવો ઉલ્લેખ નહોતો કે તેને ત્રણ વ્યક્તિ સાથે સેક્સ સીન કરવાનો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને છેલ્લી ઘડી સુધી અંધારામાં રાખવામાં આવી હતી, અને આખરે મડ આયલેન્ડમાં આવેલા એક બંગલામાં સેક્સ સીન કરવા માટે મજબૂર કરાઈ હતી.

આ મામલે અત્યારસુધી થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યાસ્મિન રોવા ખાન અને તેની ટીમ મડ આયલેન્ડમાં આવેલા બંગલામાં પોર્ન ફિલ્મોનું શૂટિંગ કરતાં હતાં અને તેને વિવિધ મોબાઈલ એપ્સ તેમજ ગહના વશિષ્ઠની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં સુરતમાંથી પણ એક આરોપીની ધરપકડ કરી છે, જેણે બારડોલીની આસપાસના બંગલામાં પોર્ન ફિલ્મનું શૂટિંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.