Western Times News

Gujarati News

રોહિતની ૪૦ ઈન્ટરનેશનલ સદી, ઘર આંગણે ૭મી સદી

ચેન્નઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેટ્‌સમેન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી છે. આ રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાં ૭મી સદી છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી સદી ફટકારી છે. ભારતીય પિચો પર રોહિત શર્માની એવરેજ ૮૦થી ઉપરની છે અને તમામ સદી તેણે ભારતમાં જ ફટકારી છે.
રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાં ૭, વન-ડેમાં ૨૯ અને ટી-૨૦માં ચાર સદી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે ૪૦ સદી ફટકારવા મામલે મોહમ્મદ યુસુફ અને તિલકરત્ને દિલશાનને પાછળ છોડી દીધા છે.

રોહિત શર્મા ભારતીય જમીન પર ઓપનર તરીકે સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારવા મામલે સુનિલ ગાવસ્કરને પાછળ છોડીને ત્રીજા ક્રમે આવી ગયો છે. સચિન તેંડુલકરે ઓપનર તરીકે ૪૫ સદી ફટકારી છે. આ બાદ બીજા નંબરે ૩૬ સદી સાથે વિરેન્દ્ર સેહવાગ છે, હવે રોહિત શર્મા ૩૫ સદી સાથે આ ક્રમમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

રોહિતે પોતાની આ ઈનિંગ્સ દરમિયાન ૧૪ બાઉન્ડ્રી અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૦૦ છગ્ગા પૂરા કરી લીધા. તે આ મુકામ સુધી પહોંચનારો ભારતનો પહેલો અને દુનિયાનો ચોથો ખેલાડી છે.
આ સાથે જ રોહિત કેટલાક અન્ય રેકોર્ડ્‌સ પણ પોતાના નામે કર્યા છે. તે ભારતમાં જ ટેસ્ટ કરિયરના શરૂઆતની ૭ સદી ફટકારનારો પહેલો ખેલાડી બની ગયો છે. આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નામે આ રેકોર્ડ હતો, જેમણે ટેસ્ટ કરિયરની શરૂઆતની પહેલી ૬ સદી ભારતમાં જ ફટકારી હતી.

ભારતે શરૂઆતમાં જ શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ શરૂઆતની ઓવરોમાં જ ગુમાવી દીધી હતી. ગિલ અને કોહલી બંને મેચની પહેલી ઈનિંગ્સમાં ખાતુ પણ નહોતા ખોલાવી શક્યા. આ બાદ ક્રીઝ પર આવેલા રહાણેએ અડધી સદી ફટકારીને રોહિત સાથે ૧૫૦ રનથી વધુની પાર્ટનરશીપ બનાવી હતી અને ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. રોહિત ૧૬૧ રનના સ્કોરે જેક લીચનો શિકાર બન્યો હતો, જ્યારે રહાણે ૬૭ રને મોઈન અલીની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.