ઠંડા પ્રદેશમાં ઉગતા શિમલા ર્મિચને ખેડૂતે રણમાં ઉગાડ્યા
ભુજ: ગુજરાતમાં શિમલા ર્મિચની સફળ ખેતી, કચ્છના ખેડૂતે કરીને કમાલ કરી છે. ખેતી ક્ષેત્રે કચ્છમાં નવો અધ્યાય શરૂ થયો છે. કચ્છ જેવા ગરમ પ્રદેશમાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતા શિમલા ર્મિચની સફળ અને અન્ય ખેડૂતોને પ્રેરણા આપે તેવી ખેતીની શરૂઆત કરી છે. કચ્છના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કર પોતાની ખેતી પદ્ધતિને લઈને આગવી ઓળખ ધરાવે છે.
તેમણે કચ્છના રેલડી ગામે તેમના ખેતરમાં એક એકરમાં ૬૦ લાખના ખર્ચે ઇઝરાઈલ પદ્ધતિથી ફેન પેડ બનાવીને શિમલા ર્મિચની સફળ ખેતી કરી છે. સામાન્ય રીતે, શિમલા ર્મિચ તો ઠંડા પ્રદેશમાં થતું શાક છે. હરેશભાઇએ ટેક્નોલોજી અને પોતાની મહેનતથી હિમાચલ પ્રદેશ અને કશ્મીર જેવા રાજ્યોમાં થતી ખેતી હવે કચ્છ જેવા ગરમ પ્રદેશમાં પણ સફળ બનાવી છે.
હરેશભાઈ ઇઝરાઈલની આ પદ્ધતિ શીખી અને તેઓએ પોતાના ખેતરમાં સરકારની સહાયથી ફેન પેડ બનાવ્યો છે. એક એકરમાં તેઓ અલગ અલગ પ્રકારના સિમલા ર્મિચનું વાવેતર કરે છે. હાલ ત્રણ રંગના (પીળા, લાલ, અને લીલા રંગ ) શિમલા ર્મિચનો પાક લેવામાં આવ્યો છે. આ સિમલા ર્મિચની માંગ લગ્નગાળાના સમયમાં અને પિઝા અને વિવિધ વાનગીમાં આ સિમલા ર્મિચની જરૂરિયાત રહે છે.
તેમણે એક એકરમાં ૧૦,૦૦૦ પ્લાન્ટ વાવ્યા છે અને એક છોડ દીઠ ૩થી ૫ કિલો ઉત્પાદન થાય છે. ૩૦થી ૫૦ ટન એક એકર દીઠ પ્રોડકશન આવે છે અને બજારમાં પણ ખૂબજ સારા ભાવ મળે છે. આ શિમલા ર્મિચ બજાર ભાવ ૧૦૦થી ૨૦૦ સુધી મળે છે.
હરેશ ઠક્કર જણાવે છે કે, ઇઝરાઈલની ફેન પેડથી ખેતી પદ્ધતિમાં ગ્રીન હાઉસની અંદર ફેન્ પેડ એક બાજુથી કુલિંગ આપે બીજી બાજુ પંખાની મદદથી ગરમ હવા બહાર નીકળે એટલે અંદર એકદમ ઠંડુ વાતાવરણ રહે છે. જે પાક માટે અનુકૂળ છે. આ સાથે તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રીનું જે સપનું છે ૨૦૨૨માં કિસાન ડબલ કમાણી કરે તો આવી બધી ખેતી કરીશું તો પ્રધાનમંત્રીનું સપનું સાકાર થશે.