શાહરૂખ ખાન રૂપેરી પડદે સાતમી વખત ડબલ રોલમાં જાેવા મળશે
મુંબઇ: શાહરૂખ ખાનને કારકિર્દીમાં ડબલ રોલવાળી ભૂમિકા કરવામાં રસ રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં મહેશ ભટ્ટ દિગ્દર્શિત ડુપ્લીકેટ, કરણ અર્જુન, ડોન, ઓમ શાંતિ ઓમ, રા-વન અને ફેન નામની ફિલ્મોમાં બેવડી ભૂમિકાઓ ભજવી છે. હવે તે વધુ એક વખત આગામી ફિલ્મમાં ડબલ રોલ કરવાનો છે.
શાહરૂખ ખાનની નિર્માણ કંપની રેડ ચિલીઝના સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર, શાહરૂખ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એટલી વચ્ચે એક ફિલ્મને લઈને વારંવાર મુલાકાતો થયા પછી ફિલ્મ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એક ટોચની ફિલ્મ નિર્માણ અને વિતરણકંપનીએ આ ફિલ્મમાં રસ લીધો છે. ફિલ્મનું બજેટ લગભગ રૂપિયા ૨૫૦ કરોડ નક્કી કર્યું છે.
સૂત્રોથી મળેલી જાણકારી મુજબ દિગ્દર્શક એટલીએ એ ફિલ્મ બનાવાનો ર્નિણય લઈ લીધો છે. આવી જ એક ‘થાડમ’ નામની ફિલ્મ દક્ષિણ ભારતમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં એક વ્યક્તિની હત્યા થાય છે, જેમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળે છે કે, આરોપીનો ચહેરો મરનાર વ્યક્તિ જેવો આબેહૂબ દેખાય છે. આ ફિલ્મમાં ઘણા રસપ્રદ વળાંક આવે છે. જાેકે એટલીની નવી ફિલ્મની વાર્તા ‘થાડમ’ ફિલ્મની છે કે નહીં તે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, શાહરૂખ આ ફિલ્મમાં ડબલ રોલ કરવાનો છે.