Western Times News

Gujarati News

અમદાવાદને ક્રોસિંગ મુક્ત બનાવવા ભાજપનું વચન

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આરોગ્ય સુવિધા વધારવા, પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારવાનું વચન આપ્યું

અમદાવાદ,કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ટ્રાફિક સમસ્યા અને રેલવે ક્રોસિંગ મુક્ત અમદાવાદનો નિર્ધાર વ્યક્ત કરતા પક્ષ દ્વારા રાહદારીઓ માટે ફુટ ઓવર બ્રિજ, નવા ફ્લાય ઓવર-અંડરપાસ, દબાણમુક્ત રસ્તા, પાર્કિંગ કોમ્પ્લેક્સની સંખ્યા વધારવાનું વચન આપવામાં આવ્યું છે.

શહેરીજનોને મળી રહેલી આરોગ્યની સુવિધા વધારવા માટે ૧૦૦ બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલ, પૂર્વમાં અદ્યતન હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર્સનું મોર્ડનાઈઝેશન, સિનિયર સિટિઝન માટે નિયમિત હેલ્થ ચેકઅપની યોજના, શ્રમજીવીઓ માટે હેલ્થ ચેકઅપ, હાલની હોસ્પિટલોના બેડની સંખ્યામાં ૫૦૦નો વધારો, ધન્વંતરી રથ, મેડિકલ વાન તેમજ એલજી હોસ્પિટલને અદ્યતન બનાવવાની સાથે પક્ષે નવા પશ્ચિમ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલનો પ્રારંભ કરવાની વાત કરી છે.

અમદાવાદીઓ શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે તે માટે ભાજપે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા, મિશન મિલિયન ટ્રી કાર્યક્રમ, અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવાની સાથે સાઈકલનો વપરાશ વધારવા, ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અમલી કરવા, સોલાર પાવરને અગ્રિમતા આપવા તેમજ શહેરના જંક્શનો પર એર પ્યોરિફાયર ટાવર મૂકવા, કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, ટ્રાફિક સિગ્નલોને સ્માર્ટ બનાવવાનો ઉલ્લેખ ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કર્યો છે.

શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાને અગ્રિમતા આપતા પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું છે કે તે ૧૦૦ ટકા વિસ્તારોને નલ સે જલ સુવિધા હેઠળ આવરી લેશે. આ સિવાય તમામ વિસ્તારોમાં ગટરલાીન, એસપી રિંગ રોડની બંને તરફ ડ્રેનેજ-પાણી નિકાલ સુવિધાનં નેટવર્ક સ્થાપવા ઉપરાંત, ભૂગર્ભ જળના વપરાશનો સંગ્રહ તથા ઉપયોગની સુવિધા ઉભી કરવા, બાંધકામમાં રિસાયકલ કરેલું પાણી વાપરવાની પોલિસી તૈયાર કરાશે તેવા મુદ્દાનો સમાવેશ કર્યો છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે પક્ષે જણાવ્યું છે કે અમદાવાદમાં તેની સવલત વધારવા માટે બીઆરટીએસ-એએમટીએસની બસોની સંખ્યા વધારાશે, એસી બસોની સંખ્યામાં વધારો કરાશે, વિદ્યાર્થીઓ અને મહિલાઓ રાહત દરે મુસાફરી કરી શકશે, વિધવા-ત્યક્તા યોજનાના લાભાર્થીને વિનામૂલ્યે પ્રવાસ કરવા મળશે, ૭૬ કિમી રિંગ રોડ પર સરક્યુલર રુટનો પ્રારંભ કરાશે,

અને મેટ્રો ટ્રેનની ટિકિટને બીઆરટીએસ-એએમટીએસ સાથે સાંકળી લેવાશે તેમજ એક પ્રવાસ એક ટિકિટની યોજના અમલમાં મુકાશે. આ સિવાય ભાજપે મ્યુ. સંચાલિત સ્કૂલોને આધુનિક બનાવવા, અંગ્રેજી માધ્યમ સ્કૂલોની સંખ્યા વધારવા, રિવરફ્રંટનું બાકીનું કામ ઝડપથી પૂરું કરવા, અમદાવાદમાંથી ઝૂંપડપટ્ટી સંપૂર્ણ પણે નાબૂદ કરવા, શહેરને સ્માર્ટ સિટી ઉપરાંત હરિયાળું અને સ્વચ્છ બનાવવા, શહેરમાં સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, હેલ્થક્લબ અને યોગ સેન્ટર ઉભા કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.