કૃષિ કાયદાઓ અંગે ફેલાવવામાં આવતા જુઠ્ઠાણા હવે ઉઘાડા પડી ગયા છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વીજળી, પાણી, માર્ગો અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી તેનો સીધો લાભ ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી, ઉત્તરપ્રદેશમાં અંદાજે એવા 2.5 કરોડ ખેડૂત પરિવારોને સીધા જ તેમના બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવીને સહાય આપવામાં આવી છે,
જેમને એક સમયે ખાતર ખરીદવા માટે પણ અન્ય લોકો પાસેથી નાછૂટકે ધિરાણ લેવું પડતું હતું. તેમણે કહ્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે અહીં ખેડૂતોને સિંચાઇ માટે વીજળીનો ઉપયોગ કરવા માટે આખી રાત સુધી ઉજાગરા કરવા પડતા હતા અને ઉમેર્યું હતું કે, આ સરકારે વીજ પૂરવઠામાં સુધારો લાવીને આવી સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિની જમીનો સુદૃઢ બનાવવા અને તે પ્રકારે પ્રત્યેક ખેડૂત દીઠ વાવણી લાયક જમીનના ક્ષેત્રફળમાં થઇ રહેલા ઘટાડાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ની રચના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે 1-2 વિઘા જમીન ધરાવતા 500 ખેડૂત પરિવારો સંગઠિત થઇ જાય ત્યારે તેઓ 500- 1000 વિઘા ધરાવતા મોટા ખેડૂતો કરતાં પણ વધારે શક્તિશાળી બની જશે.
તેવી જ રીતે, શાકભાજી, ફળો, દૂધ, માછલી અને આવા અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા નાના ખેડૂતોને હવે કિસાન રેલના માધ્યમથી મોટા બજારો સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં લાવવામાં આવેલા નવા કૃષિ સુધારાઓથી નાના અને સિમાંત ખેડૂતોને પણ લાભ થશે અને દેશભરમાંથી આ કૃષિ કાયદાઓ વિશે સકારાત્મક પ્રતિભાવો પ્રાપ્ત થઇ રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં તમામ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જેમણે વિદેશી કંપનીઓને લાવવા માટે કાયદાઓનો અમલ કર્યો તેઓ હવે ખેડૂતોને ભારતીય કંપનીઓ સાથે જોડાવા સામે ડરાવી રહ્યાં છે. આ જુઠ્ઠાણાઓ અને ખોટો પ્રચાર હવે ઉઘાડા પડી ગયા છે. નવા કાયદાના અમલીકરણ પછી, ઉત્તરપ્રદેશમાં ગત વર્ષની સરખામણીએ ડાંગરની ખરીદી બમણી થઇ ગઇ છે.
યોગી સરકારે પહેલાંથી જ રૂપિયા 1 લાખ કરોડ શેરડીના ખેડૂતોને આપી દીધા છે. સુગર મિલો ખેડૂતોને નાણાં ચુકવી શકે તે માટે તેમને સમર્થ બનાવવા કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારને કરોડ રૂપિયા આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, શેરડીના ખેડૂતોને વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર હંમેશા પ્રયાસરત રહેશે.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર ગામડાંઓ અને ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સ્વામિત્વ યોજનાની મદદથી ગામવાસીઓના મકાનો પર ગેરકાયદે કબજો જમાવવાની સંભાવનાઓમાંથી છુટકારો મળશે.
આ યોજના અંતર્ગત, ઉત્તરપ્રદેશમાં હાલના સમયમાં 50 જિલ્લાઓમાં ડ્રોનની મદદથી સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં, લગભગ 12 જિલ્લામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણનું કામ પૂરું થઇ ગયું છે અને 2 લાખથી વધારે પરિવારોને મિલકત કાર્ડ મળી ગયા છે તેમજ આ પરિવારો હવે તમામ પ્રકારના ડરથી મુક્ત થઇ ગયા છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આથી જ, કોઇપણ વ્યક્તિ એવી ખોટી માન્યતાઓ પર કેવી રીતે વિશ્વાસ શકે કે કૃષિ સુધારાઓના કાયદાઓ ખેડૂતોની જમીનો પચાવી પાડવા માટે છે. અમારું લક્ષ્ય દરેક નાગરિકને સશક્ત બનાવવાનું છે, અમારો સંકલ્પ દેશને આત્મનિર્ભર બનાવવાનો છે અને અમે આ કાર્યને સમર્પિત છીએ.