સૌરવ ગાંગુલીની પત્નીનું ફેસબુક પર ફેક પેજ બનાવ્યું
કલકત્તા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ડિરેક્ટર સૌરવ ગાંગુલીના પત્ની ડોના ગાંગુલીએ પોતાના નામ પર એક ફેક એફબી પેજના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેની પર ડોના ગાંગુલી અને તેમની પુત્રી સનાના અનેક ફોટોજ શેર કરવામાં આવ્યા હતા. કેસ અંગેની માહિતી આપતા એક પોલીસ અધિકારીનું કહેવુ હતું કે, ડોના ગાંગુલીની ફરિયાદ પર પોલીસ તપાસ કરી રહી છે અને આ માટે જવાબદાર વ્યક્તિને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા આઇપી એડ્રેસની ઓળખ કરી લેવામાં આવી હતી.
ઓડિશી નૃત્યકાર ડોના ગાંગુલીનું કહેવુ હતું કે તેમની એક શિષ્યએ તેમના ફેક એફબી પેજ વિશે માહિતગાર કર્યા હતા, જે પછી તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ડોના ગાંગુલીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ બનાવવાવાળાએ મારી અને દાદાની ફોટોજનો ઉપયોગ કર્યો હોત તો ચિંતા ન હતી, પરંતુ ઘણીવાર લોકો ટિપ્પણી કરવાનુ શરુ કરી દે છે, જેને અન્ય લોકો અમારી કોમેન્ટ માની લે છે.
જેના કારણે ખોટા ભ્રમ પેદા થાય છે. જે અમે નથી ઇચ્છતા. ડોના ગાંગુલીનું કહેવુ હતું કે તેમના ફેસબુક એકાઉન્ટ પર ગણતરીના ફોલોઅર્સ છે જ્યારે ફેક એફબી પેજને ૭૦,૦૦૦થી વધુ લોકો ફોલો કરી રહ્યા છે.