ગેંગસ્ટરને લેવા ૫૦૦ ગાડીનો કાફલો જેલ ઉપર પહોંચ્યો
બે મર્ડર કેસમાં ગેંગસ્ટર નિર્દોષ છૂટ્યો –જેલમાંથી છૂટેલા ગજાનંદ મારણેએ એસયૂવીમાં સવાર થઈ પોતાને લેવા આવેલા લોકોનું અભિવાદન કર્યું હતું
પુણે, બે મર્ડર કેસમાં નિર્દોષ છૂટેલા મહારાષ્ટ્રના ગેંગસ્ટર ગજાનંદ મારણેને લેવા માટે જ્યારે ૫૦૦ ગાડીઓનો કાફલો નવી મુંબઈની તળાજા જેલ પર પહોંચ્યો ત્યારે પોલીસ પણ તેને જાેતી જ રહી ગઈ હતી. A procession of over 500 cars accompany gangster Gajanan Marne after his release from Taloja Jail to Pune.
જેલમાંથી છૂટેલા મારણેએ એસયૂવીમાં સવાર થઈ પોતાને લેવા આવેલા લોકોનું અભિવાદન કર્યું હતું. તેના ટેકેદારોએ પણ તેને હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું. મારણે પર ૨૦૧૪માં બે મર્ડર કરવાનો કેસ થયો હતો, પરંતુ તેમાં કોર્ટે તેને નિર્દોષ છોડી દેતા તેના સમર્થકોએ ફટાકડાં ફોડી તેની ખુશી મનાવી હતી.
પુણેના ડોન ગજાનંદ મારણે વિરુદ્ધ અત્યારસુધી મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ, રમખાણ, આર્મ્સ એક્ટ સહિતના ૨૨ જેટલા કેસ થઈ ચૂક્યા છે. જાેકે, મોટાભાગના કેસમાં તે નિર્દોષ છૂટી ગયો છે. છેલ્લે તે બે મર્ડર કેસમાં જેલમાં બંધ હતો, જેમાં પણ કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો.
મારણેને લેવા આવેલો ૫૦૦ ગાડીઓનો કાફલો તળોજા જેલથી સીધો તાલેગાંવ તરફ ગયો હતો. ત્યારબાદ તેમાંથી મોટાભાગની ગાડીઓ છૂટી પડી ગઈ હતી, અને એકાદ ડઝન જેટલી ગાડીઓનો કાફલો ડોનને છેક પુણે સુધી તેના ઘરે મૂકવા માટે ગયો હતો. જાેકે, ડોનના આ શાહી સ્વાગત પર પોલીસની પણ નજર હતી, અને જેવો તે ઘરે પહોંચ્યો કે પોલીસ સક્રિય થઈ હતી.
સૌ પહેલા તો તાલેગાંવની પોલીસે ડોન વિરુદ્ધ કલમ ૧૮૮ અને ૧૪૩ હેઠળ કેસ નોંધ્યો. તે જ સાંજ કોથરુડ પોલીસે તેની સામે આ જ આરોપ હેઠળ ફરિયાદ નોંધી, અને કલાકોમાં જ મારણે સહિત ૨૭ લોકોની અટકાયત કરી, અને રાત્રે તેના આઠ ટેકેદારો તેમજ તેની ધરપકડ કરી લેવાઈ. આમ, કલાકો પહેલા જ જેલમાંથી છૂટેલો ડોન ફરી જેલભેગો થઈ ગયો.
બીજી તરફ, તળોજા જેલમાં આટલી બધી ગાડીઓ કઈ રીતે ઘૂસી ગઈ તેની તપાસ પણ પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.
આ અંગે પુણેના જાેઈન્ટ પોલીસ કમિશનર રવિન્દ્ર શિસવેએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ આ રીતે શક્તિનું પ્રદર્શન કરે તે ક્યારેય નહીં ચલાવી લેવાય, તેમાંય કાયદો-વ્યવસ્થા જાળવવામાં સમસ્યા ઉભી થાય તેવું કૃત્ય તો ક્યાયેર નહીં.
નવાઈની વાત એ છે કે, ડોનને રિસીવ કરવા તેના સમર્થકો તળોજા જેલ પહોંચ્યા ત્યારે તેમણે ફટાકડા ફોડીને કરેલા સેલિબ્રેશનનો ડ્રોન કેમેરાથી વિડીયો લેવાયો હતો અને તેને સોશિયલ મીડિયા પર પણ મૂકાયો હતો. જાેકે, પોલીસે હવે આ વિડીયો મેળવી લીધા છે, અને તેમાં જેટલા પણ લોકો દેખાય છે તે તમામને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.
છેલ્લા સાત મહિનામાં મહારાષ્ટ્રના ડોન કહેવાતા શરદ મોહોલ, નિલેશ ઘાયવાલ તેમજ ગણેશ મારણે યરવડા જેલમાંથી જામીન પર છૂટી ચૂક્યા છે. હજુ ત્રણ અઠવાડિયા પહેલા જેલમાંથી બહાર આવેલા શરદ મોહોલના સ્વાગતમાં પણ આવો જ તમાશો કરાયો હતો. તેના સ્વાગતના ઠેર-ઠેર પોસ્ટર લગાવાયા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ ફરતી કરાઈ હતી.
પુણે પોલીસના રેકોર્ડ અનુસાર, શહેરમાં ૩૨ જેટલી ગેંગ્સની હાજરી છે, જેમાંથી ૧૧ હાલ એક્ટિવ છે. આ ગેંગ જમીન પર ગેરકાયદે કબજાે જમાવવાથી લઈને ધમકી આપી જમીન-મકાન ખાલી કરાવવા, ખંડણી ઉઘરાવવા, મર્ડર, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.