કાર્યકર બિકતા હૈ, બોલો ખરીદોગે?: રૂ.૫૦૦માં ભાડૂતી કાર્યકરો લેવાઇ રહ્યા હોવાની ચર્ચા
ક્યાંક ટીશર્ટનું વિતરણ થાય છે-કોટ વિસ્તારમાં તવા પાર્ટી તો પોશ વિસ્તારમાં સ્નેહ-મિલન પાર્ટી કરી મતદારોને રીઝાવાઇ રહ્યા છે
અમદાવાદ, પહેલાં રાજકરણ કરો કે રાજનીતિમાં ચોક્કસ વિચારધારાને વરેલા અને સામાન્ય પ્રજાની કંઇક અંશે ‘સેવા’ કરવાની ભાવનાથી ઓતપ્રોત લોકો મોખરે રહેતા હતા, પરંતુ છેલ્લા દોઢ-બે દાયકાથી રાજનીતિ નિમ્ર સ્તરે પહોંચી ગઇ હોવાનું પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે.
મુફલિસ રાજકારણી પણ કોર્પોરેટર કે ધારાસભ્ય બને કે વૈભવ-વિલાસમાં આળોટતો થઇ જતો હોઇ ઘણા સમાજ પ્રત્યે નિષ્ઠાવાન લોકો રાજકારણથી આઘા જ રહે છે. હવે ચૂંટણીના માહોલમાં કોઇપણ પક્ષને ધગશ ધરાવતા કાર્યકર ખરીદીને રાજકીય પક્ષો સામાન્ય પ્રજાને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આગામી રવિવારે ચૂંટણી છે તેમાં પણ શુક્રવારની સાંજે પ્રચારના પડઘમ શાંત પડી જવાના હોઇ રાજકીય પક્ષો મતદારોને લોભાવવા એડીચોટીનું જાેર અજમાવી રહ્યા છે. કોરોના મહામારીના પગલે શહેરનાં અનેકાનેક ઘરમાં દિવસો સુધી ચૂલા સળગ્યા નહોતા. કામકાજ વગરના મહિનાઓના મહિના મુસીબતમાં પસાર કરનારાઓ માટે ચૂંટણી દિવસના રૂ.૫૦૦ની કમાણી કરવા માટેનો અવસર લઇને આવી છે.
દહેજ લોભી પરિવારો જેવી રીતે દુલ્હાની નિલામી કરે છે તેવી રીતે રાજકીય પક્ષો દૈનિક રૂા.૫૦૦માં કાર્યકરોની ખરીદી કરે છે. સવારના અગિયારના વાગ્યાના જનસપંર્ક રાઉન્ડ પહેલાં જે તે ઉમેદવાર રાઉન્ડમાં ભીડ બતાવવા ખાસ કરીને મહિલાઓને રોજના રૂ.૫૦૦ આપી દે છે
આવી થોડી ઘણી શિક્ષિત મહિલાઓ ઘરે બાળ-બચ્ચા અન્યને સુપરત કરી ઉમેદવારના કામની પત્રિકાનું વિસ્તારમાં વિતરણ કરવું કે પછી સાંજની કે રાતની જાહેર સભામાં હાજર રહેવું જેવી રાતના આઠ-વાગ્યા સુધીની ફરજ બજાવીને ઘર-પરિવાર માટે રૂ.૫૦૦ની આવક ઊભી કરે છે. અનેક બેરોજગાર યુવકો પણ રેલીમાં ભાડૂતી કાર્યકર બનીને થોડીક વધારાની કમાણી કરી રહ્યા છે એટલે ચૂંટણીના પ્રચારમાં પૈસાનું રાજકારણ ભળ્યુ છે.
કોટ વિસ્તારમાં ઉમેદવારો તરફથી તવા પાર્ટીનો ધમધમાટ ઇચ્છા મુજબ ભાજીપાઉં કે ચિકનદાના હોંશે હોશેં પીરસાઇ રહ્યા છે, જાેકે કોરોનાની બીકથી તવા પાર્ટીમાં ભીડ જાેઇએ તેવી જાેવા મળતી નથી. પોશ વિસ્તારના લોકોને સ્નેહ-મિલન સમારંભના બહાને ઉમેદવારો ભરપેટ મનભાવતા ભોજન જમાડી રહ્યા છે, અમુક સોસાયટીઓમાં કરોડપતિ ઉમેદવારોના જમણવાર ચર્ચાસ્પદ બની રહ્ય છે.
કેટલાક ઉમેદવાર તો પ્રસિદ્ધિ ભૂખ્યા હોઇ સ્વખર્ચે તેમની તસવીર ધરાવતા ટીશર્ટનું યુવકોમાં વિતરણ કરી રહ્યા છે. પહેલાં જે તે ઉમેદવાર સામે ગંદા આક્ષેપ કરતી પત્રિકાઓ લોકોમાં ફરતી મુકાતી હતી. રાજકીય વિરોધીઓ પત્રિકાયુદ્ધ કરી હરીફ ઉમેદવારને ચૂંટણી જંગમાં શિકસ્ત આપવાના પ્રયાસ કરતા હતા,
પરંતુ હવે સોશિયલ મીડિયાનું લોકોમાં પ્રભુત્વ છવાયું હોઇ પત્રિકાયુદ્ધ પોસ્ટયુદ્ધમાં બદલાયું હોઇ તેનો પણ બહુ મોટો ચાહકવર્ગ ઊભો થયો છે. જાેકે જે રીતે ચૂંટણી જીતવા નાણાંની કોથળીઓ ખુલ્લી મુકાઇ છે તેને જાેતાં છ લાખની ખર્ચ મર્યાદા માત્ર કાગળ પર રહી જશે તેમ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે.