ખેડૂત આંદોલનમાં સામેલ પ્રદર્શનકારીએ SHO પર કર્યો તલવારથી હુમલો
નવી દિલ્હી, કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનમાં સામેલ દેખાવકારે દિલ્હી પોલીસના એસએચઓ પર જીવલેણ હુમલો કર્યો છે. દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ એક પ્રદર્શનકારીએ સમયપુર બાદલીના એસએચઓ આશિષ દુબે પર હુમલો કર્યો. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલનમાં સામેલ હરપ્રીતસિંહ નામના દેખાવકારોએ ગઈ કાલે મોડી સાંજે આઠ વાગે તલવારના જાેરે દિલ્હી પોલીસના એક જવાનની કાર છીનવી લીધી. ત્યાર બાદ પોલીસે તેનો પીછો કરવાનો શરૂ કર્યો તો તે મુકરબા ચોકપર કાર છોડીને સ્કૂટી લઈને ભાગી ગયો.
આ દરમિયાન પોલીસફોર્સ જેમાં સમયપુર બાદલીના એસએચઓ આશિષ દુબે પોતાના અન્ય સ્ટાફકર્મીઓ સાથે જ્યારે તેનો પીછો કરી રહ્યાં હતા ત્યારે તે વખતે આ વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો જેમાં આશિષ દુબે માંડ માંડ બચ્યા. એસએચઓના ગળા પરઈજા થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દિલ્હી પોલીસના એસએચઓ પર હુમલાનો આરોપી પંજાબનો રહીશ છે. જેના વિરૂધ્ધ બે કેસ દાખલ થયા છે. આરોપી પ્રદર્શનકારી વિરૂધ્ધ પહેલો કેસ લૂંટનો અને બીજાે કેસ કલમ ૩૦૭ હેઠળ એટલે કે હત્યાના પ્રયાસનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.