કેનેરા બેંકમાં ૮૧ ટ્રાન્જેક્શનથી લાખોની ઉચાપત કરનાર જબ્બે
હોટલ મેનેજમેન્ટની ડીગ્રી ધરાવનાર વતનમાં કરિયાણાની દુકાન ચલાવતા યુવાનની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ
અમદાવાદ, કેનેરા બેંકની ગાંધી આશ્રમ શાખામાંથી ૮૧ ટ્રાન્જેક્શન કરી રૂ. ૮.૧૦ લાખની માતબર રકમ ઉપાડી છેતરપિંડી આચરનાર હરિયાણાના પલવલ ખાતે રહેતા ૨૯ વર્ષીય યુવાનની સાઈબર ક્રાઈમ સેલ દ્વારા મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
https://westerntimesnews.in/news/73835
હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી તથા વતનમાં કરિયાણાની દુકાન ચલાવતા યુવકે તેના સાગરિતો સાથે મળી અનેક શહેરો તથા રાજ્યમાં આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, તા. ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૦થી ૬ઠ્ઠી ઓક્ટોબર ૨૦૨૦ દરમિયાન કેનેરા બેંકની ગાંધીઆશ્રમ શાખામાંથી કોઈ અજાણી વ્યક્તિએ ૮૧ વખત ટ્રાન્જેકશન કરી બેંકને રૂ. ૮.૧૦ લાખનો ચૂનો લગાવ્યો હતો.
આ અંગે સાઈબર ક્રાઈમ સેલ ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે હરિયાણાના પલવલ ખાતે આવેલા મોહનનગરમાં રહેતો તથા કરિયાણાની દુકાન ધરાવતો ૨૯ વર્ષીય મોહંમદ રાશીદ નિયાઝ મોહંમદ નામનો યુવાન આ ગુનાનો મુખ્ય આરોપી છે.
https://westerntimesnews.in/news/21160
પલવલના જે વિસ્તારમાં રાશીદ રહેતો હતો તે મેવાતી ગેંગનો દબદબો ધરાવતો વિસ્તાર હોવા ઉપરાંત આરોપી પણ આ ગેંગનો સભ્ય હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે તમામ તૈયારીઓ સાથે હરિયાણા જઈ બાતમીના આધારે રાશીદને ઝડપી લેવાની સાથે બે મોબાઈલ ફોન, ત્રણ ડેબિટ કાર્ડ, ત્રણ પાસબુક જપ્ત કર્યા હતાં.
પોલીસે આરોપી રાશીદને અમદાવાદ લાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું તે તેણે અલીબાબા ડોટ કોમ નામની શોપિંગ વેબસાઈટ ઉપરથી ડીઆઈઈબોલ્ડ કંપનીના એ.ટી.એમ.ની ડુપ્લીકેટ ચાવી મંગાવી કૌભાંડની શરૂઆત કરી હતી. આરોપી એટીએમ સ્ક્રીન લોક ખોલી અથવા પાવર સ્વીચ બંધ કરી પોતાના તથા અલગ-અલગ બેંકના ડેબિટ કાર્ડ દ્વારા નાણાં ઉપાડતો હતો તથા જેવા નાણાં બહાર આવે કે તુરત જ પાવર સ્વીચ બંધ કરી દેતો હતો જેથી ટ્રાન્જેક્શ લોગ બેંકની એન્ટ્રીમાં નોંધાતા ન હતાં.
આ ઉપરાંત ડેબિટ કાર્ડથી નાણાં ઉપાડ્યા બાદ જે-તે બેંકમાં ફરિયાદ કરી નાણાં નિકળ્યા નથી તેમ કહી રિફંડ પણ મેળવી લેતો હતો. આરોપીએ લગભગ દરેક રાજ્યમાં જઈ જુદી-જુદી બેંકો સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ફ્રોડ કરવા દરમિયાન આરોપીને એ પણ જાણવા મળ્યું હતું કે કેનેરા બેંકના ક્રેડિટ કાર્ડથી છેતરપિંડી આચર્યા બાદ ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી
અને ચોવીસ કલાકમાં આપોઆપ નાણાં રિફંડ થઈ જાય છે, આ વાતની જાણ થતાં તે પોતાની પ્રાઈવેટ કાર લઈ અમદાવાદ આવ્યો હતો અને ગાંધીઆશ્રમ શાખાને નિશાન બનાવી હતી. અમદાવાદ ઉપરાંત બરોડા, સુરત, મુંબઈ ખાતે પણ ફક્ત કેનેરા બેંકના એટીએમને ટાર્ગેટ બનાવી અલગ-અલગ ગ્રુપ બનાવી મળતીયાઓ સાથે ગુના આચર્યા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાશીદ પુલવલ રેલવે સ્ટેશન પાસે પોતાની કરિયાણાની દુકાન ધરાવે છે. આ ઉપરાંત તેણે ફરીદાબાદની યુ.ઈ.આઈ. ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટમાંથી શેફ કેટરીંગમાં હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવ્યા બાદ ગોવાની ધી માંડવી હોટેલમાં તથા પલવલ ખાતેની હોટેલમાં સેકન્ડ શેફ તરીકે નોકરી પણ કરી ચૂક્યો છે.