ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં ૪ ચીની સૈનિકો માર્યા ગયા હતા
બેઈજિંગ: ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે. પીએલએએ દાવો કર્યો છે કે આ ઝપાઝપીમાં તેના ૪ સૈનિકો માર્યા ગયા અને એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા. જાે કે તાજેતરમાં જ રશિયાની સમાચાર એજન્સી તાસે એવો ખુલાસો કર્યો હતો કે ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં ૪૫ ચીની સૈનિકો માર્યા ગયા હતા. ચીનની સેનાએ ગલવાન ખીણમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને એક વીડિયો જારી કર્યો છે.
ચીને માર્યા ગયેલા ૪ સૈનિકોના નામ પણ જણાવ્યાં છે. આ મૃત સૈનિકોના નામ ચેન-હોંગચૂન, ચેન શિઆંગરોંગ, શિયાઓ સિયુઆન, વાંગ ઝુઓરાન છે. ચીની સેનાએ કહ્યું કે આ સૈનિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પોતાની જમીનની રક્ષા કરતા જીવ આપ્યો. માર્યા ગયેલા ચીની સૈનિકોમાં એક બટાલિયન કમાન્ડર અને ત્રણ સૈનિકો હતા. ઘર્ષણ દરમિયાન ચીની સેનાનો રેજિમેન્ટલ કમાન્ડર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જાે કે ચીન ગલવાન ખીણમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોનો આંકડો ખુબ ઓછો જણાવી રહ્યું છે. તાજેતરમાં નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાયકે જાેશીએ જણાવ્યું હતું કે ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણ બાદ ૫૦ ચીની સૈનિકોને વાહનો દ્વારા લઈ જવાયા હતા. આ ગલવાનની ઝડપમાં અનેક ચીની સૈનિકો માર્યા ગયા હતા.
નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાયકે જાેશીના જણાવ્યાં મુજબ ચીની સૈનિક ૫૦થી વધુ જવાનોને વાહનોમાં લઈ જઈ રહ્યા હતા. પરંતુ તે માર્યા ગયા હતા કે ઘાયલ થયા હતા તે કહેવું મુશ્કેલ છે. વાયકે જાેશીએ કહ્યું હતું કે રશિયાની એજન્સી તાસે પણ ૪૫ જવાનો માર્યા ગયા હોવાની વાત કરી છે અને અમારું અનુમાન પણ તેની આજુબાજુ છે.
નોંધનીય છે કે ગત વર્ષ જૂનમાં પૂર્વ લદાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું હતું. આ બાથમબાથીમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીનના પણ અનેક સૈનિકો માર્યા ગયા હતાં પરંતુ ચીને આ અંગે કોઈ પણ અધિકૃત આંકડો બહાર પાડ્યો નહતો.
ચીનના સેન્ટ્રલ મિલેટ્રી કમિશને ફાબાઓને હીરો એવોર્ડથી સન્માનિત કર્યો છે. ચીને આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ ગેરકાયદેસર રીતે ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરી હતી.
ચીની સેનાએ આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ સ્ટીલની ટ્યૂબ, લાકડી અને પથ્થરોથી પીએલએ સૈનિકો પર હુમલો કર્યો. ચીની સેનાના અખબારે પીએલએએ કહ્યું કે એપ્રિલ ૨૦૨૦થી વિદેશી સેના (ભારત)એ પહેલા થયેલી સંધિનો ભંગ કર્યો. તેઓ સરહદમાં ઘૂસી આવ્યા જેથી કરીને રસ્તાઓ અને પુલ બનાવી શકાય.