મહિલા પરથી ટ્રેન પસાર થઈ છતાં આબાદ બચાવ થયો
રોહતક: હરિયાણાના રોહતક જિલ્લામાં ચાલતી ટ્રેનની નીચે આવી જવા છતાં એક મહિલાનો જીવ બચી ગયો. મૂળે, મહિલા ચાલતી ટ્રેનની નીચે ફસાઈ ગઈ પરંતુ તેણે સમયસૂચકતા દર્શાવતા રેલવે ટ્રેકની વચ્ચે સૂઈ જઈને પોતાનો જીવ બચાવ્યો. ટ્રેન પહેલા સ્ટેન્ડબાય પર હતી અને સિગ્નલ મળવાની રાહ જાેઈ રહી હતી. પરંતુ જ્યારે ટ્રેન અચાનક ચાલવા લાગી તો તે સમયે મહિલાએ કથિત રીતે તેને ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને ટ્રેનની નીચે ફસાઈ ગઈ. મહિલાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો રોહતકના ન્યૂ બસ સ્ટેન્ડ રોડ સ્થિત રેલવે ફાટકનો છે. જ્યાં મંગળવાર સવારે વૃદ્ધ મહિલાનો જીવ માંડમાંડ બચ્યો. ડ્યુટી પર તૈનાત પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સવારે ૧૧ વાગ્યે લગભગ ગોહાના તરફથી માલગાડી સિગ્નલ ન મળવાના કારણે ફાટક ઉપર જ ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન એક ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલા માલગાડીની નીચેથી પસાર થઈને ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરવા લાગી.
આ દરમિયાન ટ્રેનને સિગ્નલ મળતા તે ચાલવા લાગી અને મહિલાએ ટ્રેકની વચ્ચોવચ્ચ સૂઈ જઈને પોતાનો જીવ બચાવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ટ્રેનની આસપાસ ઊભેલા લોકો મહિલાને જમીન સાથે ઊંધે માથે સૂઈ જવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે તો મહિલા ઊભી થઈ જાય છે અને તેને કોઈ પ્રકારની ઈજા નથી થતી.