પતિ અને પત્નીએ વેઈટરને ૨૦૦૦ ડોલરની ટીપ આપી
શિકાગો: કોઈપણ મનપસંદ રેસ્ટોરા કે કેફેનું જમવાનું જ નહીં, પરંતુ ત્યાં વિતાવેલી પળ, ત્યાંના સંસ્મરણો પણ એક આગવી વિશેષતા આપણા મનમાં બની જાય છે. કેટલીક જગ્યાઓ સાથે આપણો ભાવનાત્મક બંધન પણ જાેડાઈ જાય છે. તમારા કુટુંબીજનો, મિત્રો અથવા પ્રિયજનો સાથે તમારા મનપસંદ સ્થળે ફરવા જવાથી તમે દરેક મુલાકાત અને ખાણીપીણીની યાદોની સાથે તે જગ્યા સાથે પણ જાેડાઈ જાવ છે. કોરોનાવાયરસને પગલે રેસ્ટોરા સેક્ટરની હાલત કફોડી થઈ છે. શિકાગોના એક યુગલે મુશ્કેલ સમયમાંથી પસાર થતા તેમના જ ફેવરિટ રેસ્ટોરાને મદદ કરીને એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
વેલેન્ટાઈન ડેના દિવસે રેસ્ટોરન્ટે તેમના ફેસબુક પેજ પર રીસિપ્ટસ શેર કરી હતી. અમેરિકાના શિકાગોના એક દંપતીએ ક્લબ લકીમાં ૧૩૭.૩૩ ડોલરના બિલની સામે ૨૦૦૦ ડોલરની ટિપ આપી હતી. રીસિપ્ટસમાં યુગલે લખ્યું હતુ કે ‘૨૦ વર્ષોની સારી યાદો, શાનદાર ફૂડ અને ઉત્કૃષ્ટ સેવાઓથી અમે ખુશ છીએ. ફેસબૂકના કેપ્શનમાં રેસ્ટોરા સંચાલકોએ લખ્યું હતુ કે મહેમાન અને તેની પત્નીએ ૨૦ વર્ષ પહેલા ૧૨ ફેબ્રુઆરીના રોજ આ જ રેસ્ટોરામાં તેમની પ્રથમ ડેટ કરી હતી. દર વર્ષે આ યુગલ તે જ તારીખે સાંજે ૭.૩૦ કલાકે બૂથ નંબર ૪૬ પર જ ફરી ડેટ કરે છે,
પોતાની જુની યાદોને વાગોળે છે. દર વર્ષે અમે પણ તેમને યોગ્ય સાથ-સહકાર અને પ્રેમ આપ્યો છે. રેસ્ટોરન્ટે આ અતુલ્ય કામ માટે દંપતીનો આભાર માન્યો હતો. રેસ્ટોરાના સંચાલકોએ એક ભાવુક પોસ્ટમાં લખ્યું કે, આ દંપતીના જીવનનો એક ખાસ ભાગ બનવા બદલ અમે ભાવુક છીએ અને આ કપરા સમયમાં તેમણે કરેલ મદદ બદલ અમે તેમની તેમની ઉદારતાના ખૂબ-ખૂબ આભારી છીએ. તેમની આ સહાયથી આ મુશ્કેલ સમયમાં પણ અમારા સમગ્ર સ્ટાફને પ્રેરણા આપી છે.
ખરેખર અમે તમારો આભાર માની શકતા જ નથી. કપલની આ દરિયાદિલી લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટને જાેયા બાદ અન્ય એક દંપતીએ કહ્યું કે તેણી અને તેના પતિની પહેલી ડેટ પણ અહીં જ ધ ક્લબ લકીમાં થઈ હતી. અન્ય એક યુઝરે લખ્યું છે કે ક્લબ લકી ઘણા લોકો માટે ઘર સમાન જ છે, કારણ કે તેઓ ગ્રાહકોને ઉત્તમ કક્ષાની સેવા આપે છે.