લક્ખાસિંહે ૨૩ ફેબ્રુઆરીએ વિરોધ કરવા જાહેરાત કરી
ચંડીગઢ: દિલ્હીમાં લાલ કિલ્લા હિંસાના મુખ્ય સૂત્રધાર, તેમજ જેના પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે તે પૂર્વ ગેંગસ્ટર લક્ખા સિંહ સિધનાએ ફરી એક વખત ભડકાઉ વિડીયો જાહેર કર્યો છે. લક્ખાએ ખુલ્લેઆમ પોલીસને ચેતવણી આપી છે અને ૨૩ ફેબ્રુઆરીએ બીજાે વિરોધ કરવાની જાહેરાત કરી છે.
આ પ્રદર્શન ભટિંડામાં કરવાની વાત કહી છે. વિડીયો બહાર પાડીને તેણે પંજાબના વધુને વધુ યુવાનોને આ પ્રદર્શનમાં ભાગ લેવા જણાવ્યું છે.
લક્ખા સિંહ છેલ્લા ૨૫ દિવસથી દિલ્હી પોલીસની પહોંચની બહાર છે. પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. લક્ખા સિંહે તેના ફેસબુક પર એક વિડિયો અપલોડ કર્યો છે. આ વિડીયોમાં તે પંજાબના લોકોને અને યુવાનોને ઉશ્કેરી રહ્યો છે.
વિડીયો એક ટેન્ટની અંદર રાત્રે બનાવવામાં આવ્યો છે. ટેન્ટમાં દેખાય છે કે ઘણા લોકો જમીન પર ધાબળમાં સૂઈ રહ્યા છે. લક્ખા તેમની વચ્ચે બેસીને વિડીયો બનાવી રહ્યો છે તે વીડિયોમાં કહી રહ્યો છે કે ‘૨૩ ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં લોકોએ પહોંચવું જાેઈએ. ભટિંડા જિલ્લા મેહરાજ પિંડમાં આવો, ત્યાં એક પ્રદર્શન છે. આવો મારા ભાઈઓ, મોટી સંખ્યામાં પ્રયત્ન કરો કે અમે ખેડૂત આંદોલન સાથે છીએ.
જણાવી દઈએ કે પંજાબના ભટિંડામાં રહેતો લક્ખા સિધાના ૨૬ નવેમ્બર ૨૦૨૦થી સિંઘુ બોર્ડર પર છે. સિધાના પર પંજાબમાં ડઝનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે અને ઘણી વખત જેલની હવા પણ ખાધી છે.
સિધાનાએ દાવો કર્યો હતો કે તેણે ગુનાની દુનિયા છોડી દીધી છે. ત્યારથી તે સામાજિક કાર્યોમાં જાેડાયો. તેણે પીપલ્સ પાર્ટી ઓફ પંજાબની ચૂંટણી ટ્રાયલ પર ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.