Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના બીજા રાઉન્ડની શરૂઆત? મહારાષ્ટ્રમાં નવા સ્ટ્રેઈન જાેવા મળ્યા

પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, એમપીમાં કેસની સંખ્યા વધી ઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જે નવા કેસ વધ્યા છે તેમાં મહારાષ્ટ્રમાં ઘણા કેસોમાં કોરોનાના નવું સ્વરૂપ જાેવા મળ્યું છે જે વધારે ઝડપથી ફેલાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંત અને મુંબઈમાં કોરોનાના નવા સ્વરૂપના કેસ જાેવા મળ્યા છે જેના કારણે સ્થાનિક સત્તાધીશોને ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડી છે. જ્યારે મુંબઈમાં લોકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવી પડી છે.

છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. શુક્રવારે દેશમાં ૧૩,૯૯૩ નવા કેસ નોંધાયા હતા. ૨૫ જાન્યુઆરી બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ હતા. આ દરમિયાન ફક્ત ૨૯ જાન્યુઆરીએ ૧૮,૮૮૫ કેસ નોંધાયા હતા. સતત પાંચ દિવસથી કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

૧૬ ફેબ્રુઆરીએ ૯,૧૨૧ કેસ નોંધાયા હતા જ્યારે ૧૭ ફેબ્રુઆરીએ ૧૧,૬૧૦, ૧૮મીએ ૧૨,૮૮૧, ૧૯મીએ ૧૩,૧૯૩ અને ૨૦મી ફેબ્રુઆરીએ ૧૩,૯૯૩ કેસ નોંધાયા છે. કોરોના રોગચાળાની શરૂઆતમાં કેરળએ તેનો સામનો સફળતાપૂર્વક કર્યો હતો પરંતુ હાલમાં ત્યાં કેસ વધી રહ્યા છે.

૩ ફેબ્રુઆરીએ કેરળે કર્ણાટકને પાછળ રાખી દીધું હતું અને દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્ય બન્યું હતું. હાલમાં રાજ્યમાં સૌથી વધારે એક્ટિવ કેસ (૬૦,૦૮૭) છે જે દેશના કુલ એક્ટિવ કેસના ૪૨ ટકા જેટલા થાય છે. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના નવા સ્વરૂપના કેસ જાેવા મળ્યા છે જેના કારણે રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે.

સતત બીજા દિવસે રાજ્યમાં ૬,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. છ મહિના બાદ રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં ૬,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે મહારાષ્ટ્રમાં ૬,૨૮૧ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧,૭૦૦થી વધુ કેસ મુંબઈ અને અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં નોંધાયા હતા. કોરોનાના નવા સ્વરૂપના કેસ અમરાવતી અને અકોલામાં નોંધાયા છે.

આ નવું સ્વરૂપ વધારે ચેપી અને ઝડપથી ફેલાય તેવું માનવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ છેલ્લા સાત દિવસમાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પંજાબમાં ૩૮૩ નવા કેસ સામે આવ્યા છે. ૧૩ ફેબ્રુઆરીથી મધ્ય પ્રદેશમાં પણ દૈનિક કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ મહારાષ્ટ્ર ઉપરાંત આ ત્રણ રાજ્યોએ પણ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.