પેટ્રોલ બાદ ડુંગળીમાં ભડકો દોઢ મહિનામાં ભાવ બમણો
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત સામાન્ય લોકોને હવે ખરેખર રડાવી રહી છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવામાં આવતી ડુંગળીનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ચર્ચા જાગી છે કે મોંઘવારીઓ ખરેખર હરણફાળ ભરી છે ત્યારે સામાન્ય લોકો જાય તો ક્યાં? દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૭૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે જથ્થાબંધ ભાવ ૫૦ રૂપિયા આસપાસ સ્થિર છે. છેલ્લા દોઢ મહિનામાં દિલ્હીમાં ડુંગળીનો ભાવ ડબલ થઈ ગયો છે.
એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં ડંગળીના ભાવમાં બે દિવસમાં પ્રતિ ક્વિન્ટલ ૧,૦૦૦ રૂપિયાનો વધારો થયો છે. મીડિયા અહેવાલ પ્રમાણે લાસલગાંવ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં છેલ્લા બે દિવસમાં ૯૭૦ રૂપિયા જેટલો વધારો થયો છે. આ ભાવ હાલ ૪૨૦૦-૪૫૦૦ પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના નાસિક શહેરના લાસલગાંવ ખાતેથી આખા દેશમાં ડુંગળીની નિકાસ થાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નાસિકમાં ડુંગળીના પાકને ખૂબ નુકસાન થયું હતું.
આ જ કારણે આ વર્ષે નાસિકમાં ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે. આ જ કારણે ડુંગળીની આવક ઘટી છે. જેના પગલે દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો થયો હતો. શનિવારે લાસલગાંવ ખાતે ડુંગળીનો સરેરાશ ભાવ ૪૨૫૦-૪૫૫૧ પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે વરસાદને પગલે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ખરીફ પાકના ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધી રહ્યો છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ હજુ પણ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં આજકાલ સફેદ અને લાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. આ ડુંગળી જ્યારે બજારમાં આવે છે ત્યારે તેનો છૂટક ભાવ પ્રમાણમાં ઓછો હોય છે. જેની સરખામણીમાં નાસિકની ડુંગળીનો ભાવ વધારે હોય છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન થતી ડુંગળી કરતા લોકો નાસિકની ડુંગળી ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જ કારણ છે કે નાસિકની ડુંગળીનો ભાવ વધારે રહતો હોય છે.