ડીસા-પાટણ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં યુવાનનું મોત
ડીસા: ડીસા-પાટણ હાઇવે પર આજે બાઇક અને સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામ પાસે આજે બાઇક સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
ડીસા પાટણ તરફ જઇ રહેલા બાઇક ચાલક યુવક ઓવરટેક કરવા જતા સ્વીફ્ટ કારની નીચે કચડાઇ જતા આકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પાછળ આવી રહેલો ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. જેથી બાઇક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઇક ચાલક યુવક કારની નીચે કચડાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ લોકોને સારવાર માટે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી. મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.