ડેવનની શાનદાર ઈનિંગ્સ, માત્ર ૪ દિવસ મોડા પડ્યા : અશ્વિન
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી૨૦ સીરિઝની પહેલી મેચમાં ડેવન કોનવેએ એક તોફાની પારી રમી હતી. જે બાદ ડેવન કોનવેની પારીના વખાણ થઇ રહ્યાં છે, ત્યારે ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને પણ તેના વખાણ કર્યા હતા.
અશ્વિને પોતાના આગવા અંદાજમાં ડેવન કોનવેની તોફાની પારીના વખાણ કર્યા.
પ્રથમ ટી૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર ૧૯ રનના સ્કોરે જ ત્રણ વિકેટ ગુમાવી હતી. જે બાદ બેટિંગ કરવા આવેલા કોનવેએ ૫૯ બોલમાં અણનમ ૯૯ રનની પારી રમી હતી. જે સાથે ટીમનો સ્કોર ૧૮૪ પર પહોંચ્યો હતો.
જાે કે, તે ૯૯ રને અણનમ રહ્યો અને પ્રથમ સદી ચૂકી ગયો. ૨૯ વર્ષીય ડેવન કોનવે આઇપીએલ ૨૦૨૧ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. કોનવે ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે આઇપીએલ ઓક્શનમાં સામેલ થયો હતો.
આ અંગે આર અશ્વિને ટિ્વટ કરતાં લખ્યું કે, ડેવન કોનવે માત્ર ચાર દિવસ મોડા પડી ગયા, પરંતુ શું શાનદાર પારી રહી. અશ્વિને આવું એટલા માટે કહ્યું કે, ૧૮ ફેબ્રુઆરીએ આઇપીએલની હરાજી હતી અને ૨૨ ફેબ્રુઆરીએ તેણે તોફાની પારી રમી. અશ્વિનનો કહેવાનો અર્થ હતો કે, જાે તે ૧૮મી ફેબ્રુઆરીએ પણ આ પારી રમતો તો તેને કોઇ ખરીદનાર મળી જતો.
બીજી બાજુ, ગ્લેન ફિલિપ્સે ૩૦ રનની પારી રમી હતી. તેણે ત્રણ શાનદાર સિક્સ ફટકારી હતી. તેણે આઇપીએલ ઓક્શનમાં ૧૪ કરોડમાં વેચાયેલા ઝાય રિચર્ડસનના બોલર પર લેગમાં સિક્સ મારી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.