ગોંડલમાં પુત્રએ માતા-પિતાને માર મારી સામી ફરિયાદ કરી
કળિયુગના શ્રવણે પોતાના માતા-પિતાને વારસાઈ મકાનના પૈસા બાબતે ધમકાવી માર માર્યા હોવાની ઘટના સામે આવી
રાજકોટ, ગોંડલ શહેરમાં કળિયુગના શ્રવણે પોતાને માતા-પિતાને વારસાઈ મકાનના પૈસા બાબતે ધાક ધમકાવી માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ શેરી નંબર ૧માં યાગ્નિક હનુમાનજી મંદિરની સામે રહેતા દિલીપ સિંહ સોલંકી નામના વૃદ્ધે પોતાના જ પુત્ર રાજદીપસિંહ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪ તેમજ જી પી એક્ટ ની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજદીપસિંહ સોલંકીના પિતા દિપસિંહ સોલંકી એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાજદીપ સિંહ બપોરના ૧ વાગ્યા આસપાસ અમારા ઘરે ધસી આવ્યો હતો.
તેમજ વારસાઈ મકાન વેચી પૈસા આપવાની માંગ કરી હતી. જે બાબતે અમે દંપતીએના પાડતા રાજદીપસિંહ એ મને તથા મારા પત્ની વસંત બા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તો બીજી તરફ સામાપક્ષે રાજદીપસિંહે પિતા દિલીપ સિંહ અને માતા વસંત બા વિરુદ્ધ માર મારી ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.
રાજદીપ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘હું મારી પત્ની તથા પુત્રી સાથે પારસ રેસિડન્સીમાં માતા પિતાથી અલગ રહું છું. મને પાંચ મહિના પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો જે બાબતે જામનગરના ડોક્ટરની દવા ચાલુ છે. મારે ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી જે રૂપિયાની માંગણી કરતા મારા માતા-પિતાએ મારી ઉપર હુમલો કરી મને ઈજા પહોંચાડી છે.
આપણા સમાજમાં અનેક એવા અજીબો ગરીબ કિસ્સા સામે આવતા હોય છે જેમાં નવજાત શિશુને કોઈ કારણોસર તેના માતા-પિતા ત્યજી દેતા હોય છે. તો કેટલાક એવા પણ દંપતી હોય છે કે જેમને સંતાન ન થતાં તેઓ ” જેટલા પથ્થર તેટલા દેવ ” કહેવત પ્રમાણે માનતાઓ રાખતા હોય છે. તો બીજી તરફ રાજદીપ સિંહ જેવા સંતાનો માતા પિતાને વૃદ્ધાવસ્થામાં પણ જેલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.