પેટ્રોલ-ડિઝલ ભાવના વિરોધમાં વાડ્રા સાયકલ પર ઓફિસે ગયા
MP વિધાનસભામાં કોંગ્રેસી નેતા જીતૂ પટવારી, પીસી શર્મા, કૃણાલ ચૌધરીએ ભોપાલમાં સાઈકલ સવારી કરી
નવી દિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ દેશમાં વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો સાઈકલ ચલાવીને વિરોધ કર્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે રોબર્ટ વાડ્રા સાઈકલ ચલાવીને દિલ્હીમાં ખાન માર્કેટ સ્થિત પોતાના ઘરેથી ઓફિસ પહોંચ્યા હતા.
રોબર્ટ વાડ્રા સાઈકલ ચલાવી રહ્યા હોય તેનો વીડિયો પણ વાયરલ થયો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ઓલટાઈમ હાઈ થઈ ગયો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસી કારમાંથી બહાર આવીને લોકો કઈ રીતે પીડાઈ રહ્યા છે તે જાેવું જાેઈએ.
તેથી કદાચ તમે ઈંધણની કિંમતો ઘટાડી દો… છેલ્લા કેટલાક સમયથી તેઓ (મોદી) પોતાના દરેક કામ માટે બીજાને જવાબદાર ગણાવી દે છે. બીજાને દોષ આપે છે અને પછી આગળ વધી જાય છે. સામાન્ય માણસો ખૂબ મુશ્કેલીમાં છે. તેઓ દરરોજ જે અનુભવી રહ્યા છે તે હું આજે અનુભવી શકું છું.
પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાથી લોકો રસ્તા પર આવી ગયા છે. ઈંધણના ભાવવધારાનો વિરોધ કરવા મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા પીસી શર્મા, જીતૂ પટવારી અને કૃણાલ ચૌધરીએ ભોપાલમાં સાઈકલ પર સવારી કરી હતી. આ તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશભરમાં વધી રહેલી પેટ્રોલની કિંમતોને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.