પતંજલિની કોરોનિલ ટેબલેટ લોન્ચ થતાં નવો વિવાદ થયો
કરોનિલના પ્રમાણપત્ર ઉપર મેડિકલ એસો.એ વાંધો ઊઠાવ્યો-સ્વાસ્થ મંત્રી દેશ સમક્ષ એક નોન સાયન્સ્ટિક પ્રોડક્ટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે એવો IMAનો સવાલ
WHO સંગઠને કોવિડ-૧૯ની સારવાર કે સંક્રમણને તોડવા માટે કોઇપણ પારંપરિક દવાની સમીક્ષા કે તેને પ્રમાણપત્ર આપ્યું નથી.
નવી દિલ્હી, યોગ ગુરુ બાબા રામદેવની પંતજલિ આર્યુવેદ દ્વારા કોરોના સંક્રમણ સામે કોરોનિલ ટેબલેટ લોન્ચ કરવાથી વિવાદ ઉભો થયો છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-આઈએમએએ પંતજલિની કોરોનિલ ટેબલેટના લોન્ચિંગ અને પ્રમાણપત્રને લઇને વાંધો ઉઠાવ્યો છે.
પંતજલિ આર્યુવેદ દ્વારા કોરોનિલ ટેબલેટને લઇને જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનિલને આયુષ મંત્રાલય તરફથી વિશ્વ સ્વાસ્થ સંગઠનની સર્ટિફિકેટ યોજના હેઠળ પ્રમાણપત્ર મળેલ છે. પંતજલિ આર્યુવેદ એ આ જાહેરાત કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની હાજરીમાં કરી હતી. જે પછી આઈએમએએ તેનો વિરોધ ઉઠાવતા સવાલ કર્યો હતા કે, સ્વાસ્થ મંત્રી દેશ સમક્ષ એક નોન સાયન્સ્ટિક પ્રોડક્ટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે.
IMAના આરોપ હતા કે સ્વાસ્થ મંત્રી એક તબીબ હોવા છતાં તેમની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલી દવા માટે WHO દ્વારા પ્રમાણિત હોવાનો ખોટો દાવો ચોંકાવનારો હતો. સંસ્થાએ આ મુદ્દે સ્વાસ્થ મંત્રી તરફ આગળી ઉઠાવી હતી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મુજબ પંતજલિની કોરોનિલ ટેબલેટ ખરેખર કોરોના સંક્રમણ સામે અસરકારક છે તો કેન્દ્ર સરકાર દેશવ્યાપી રસીકરણ પર ૩૫ હજાર કરોડ રુપિયાનો ખર્ચ કેમ કરી રહી છે. બાબા રામદેવ દ્વારા કોરોનિલ ટેબલેટ લોન્ચ કર્યા પછી ડબલ્યુએચઓએ એક ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે સંગઠને કોવિડ-૧૯ની સારવાર કે સંક્રમણને તોડવા માટે કોઇપણ પારંપરિક દવાની સમીક્ષા કે તેને પ્રમાણપત્ર આપ્યું નથી. પંતજલિએ તેની કોરોનિલ ટેબલેટ લઇને એવો દાવો પણ કર્યો હતો કે સીઓપીપી હેઠળ ટેબલેટને ૧૫૮ દેશોમાં સપ્લાય કરી શકાય એમ છે.