ઝઘડીયા જીઆઈડીસીની UPL કંપનીમાં મોટો વિસ્ફોટ
વિસ્ફોટમાં કંપનીના સ્ટ્રક્ચરના એક ઈંચ જાડા અને પાંચ કિલો જેટલું વજન ધરાવતા પ્લેટના ટુકડા એક કિલોમીટર સુધી હવામાં ફંગોળાયા.
વિસ્ફોટ સમયે પ્લાન્ટમાં કંપનીના તથા કોન્ટ્રાક્ટના ૩૨ જેટલા એમ્પ્લોઈ કામ કરતા હતા જેમાંથી ૭ લાપતા છે તથા બીજાને સારવાર અર્થે ભરૂચ અંકલેશ્વર વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા છે.
યુપીએલ માં થયેલા વિસ્ફોટના કારણે ૨૦ કિલોમીટર સુધી ધરતીકંપ ની જેમ ધ્રુજારો થયો ઃ વિસ્ફોટ સમયે લાપતા થયેલા ૨ એમ્પ્લોઈનો મૃતદેહ મળી આવ્યો હતો-UPL says fire broke out at Jhagadia unit in shutdown condition
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૭૪૬ અને ૭૫૦ માં આવેલ યુપીએલ લિમિટેડ (યુનિટ ૫) કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ છે.યુપીએલ માં એગ્રો કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે.સોમવારની મોડી રાત્રીના ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં યુપીએલ કંપનીના સીએમ પ્લાન્ટમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો.
જાણવા મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટમાં ત્રણ માળના લોખંડના સ્ટ્રક્ચરના પ્લાન્ટમાં ભોયતળીયે વિસ્ફોટ થતાં આખો પ્લાન્ટ કકડભૂસ થયો હતો. વિસ્ફોટ સમયે કંપનીમાં કંપનીના એમ્પ્લોય તથા કોન્ટ્રાક્ટના એમ્પ્લોય કામ કરતા હતા.જેનો ચોક્કસ આંકડો જાણી શકાયું નથી પરંતુ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો ધ્રુજારો ૨૦ કિલોમીટર ભરૂચ અંકલેશ્વર સુધી અનુભવાયો હતો.
જીલ્લામાં ઠેર ઠેર શહેરોમાં તથા ગામડાઓમાં ધ્રુજારા કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ભૂકંપ આવ્યો હોય તેવું વાયુ વેગે પ્રસરી રહ્યું હતું.
પરંતુ આ ધ્રુજારો ઝઘડીયા જીઆઈડીસીની યુપીએલ કંપની માં થયેલા વિસ્ફોટનો હતો.ઘટનાના ૧૨ કલાક બાદ પણ કંપની સંચાલકો દ્વારા વિસ્ફોટ બાબતે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
જે પરિવારજનોના પુત્રો કંપનીની નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા તેમના પરિવારજનો વહેલી સવારે જ કંપની ખાતે ધસી આવ્યા હતા.પરંતુ કંપની સંચાલકો દ્વારા તેમને કોઈ આશ્વાસન કે એમ્પ્લોય બાબતે માહિતી આપવામાં આવી ન હતી જેનો આક્રોશ કંપની સંકુલ ખાતે જોવા મળ્યો હતો.
યુપીએલ કંપનીમાં વિસ્ફોટની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દુર્ઘટના વાળા પ્લાન્ટની મુલાકાત લઈ કંપની સંચાલકો પાસે માહિતી મેળવી હતી.ધારાસભ્યને કંપની સંચાલકો એ આપેલી માહિતી મુજબ દુર્ઘટના સમયે સીએમ પ્લાન્ટમાં ૩૨ જેટલા કોન્ટ્રાક્ટના તથા કંપનીના એમ્પ્લોય ફરજ પર હતા.
તે પૈકી સાત જેટલા એમ્પ્લોઈ આ લખાય છે ત્યાં સુધી હજી પણ લાપતા હોવાનું કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું અને બાકીના બીજા એમ્પ્લોઈને ભરૂચ-અંકલેશ્વર તથા વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ભારે વિસ્ફોટના પગલે સ્થાનિકોનો આક્રોશ આસમાને હતો જેથી ઝઘડિયા પોલીસ દ્વારા મોટો પોલીસ કાફલો યુપીએલ કંપની ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.
કંપની એમ્પ્લોય ના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં અનેક વખત ગેસ ગળતરની સમસ્યા ઉદભવે છે અને સુરક્ષાના કોઈપણ સાધનો પુરતા રાખવામાં નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટના પગલે કંપની નો આખો લોખંડના પ્લાન્ટ ધરાશાયી થતા તેમાં કેટલાંક એમ્પ્લોય દબાયા હતા જે પૈકી કંપનીના એમ્પ્લોય (૧) વનરાજ સિંહ ડોડીયા રહેવાસી શુકલતીર્થ તાલુકો ભરૂચ (૨) નેહલ મહેતા રહેવાસી અવિધા તાલુકો ઝઘડિયાના મૃતદેહો કાટમાળ નીચેથી મળી આવ્યા હતા.બંને મૂલ્યોને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા છે હજી સુધી કંપની સંચાલકો દ્વારા વિસ્ફોટ થવાનું કારણ તથા ચોક્કસ ઈજાગ્રસ્ત અને મૃત્યુઆંક જણાવાયો નથી.
ઝઘડિયા જીઆઈડીસીની યુપીએલ કંપનીના સીએમ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં મોટી જાનહાની થયાનો અંદાજ છે.કંપનીના પ્લાન્ટ માં થયેલા વિસ્ફોટ નો ધ્રૂજારો વીસ કી.મી ભરૂચ અંકલેશ્વર સુધી અનૂભવાયો હતો.