છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પરાજય બાદ શહેર કોંગ્રેસ પ્રમુખોના રાજીનામાં
અમદાવાદ: રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસના તમામ મહાનગર પાલિકામાં સૂપડાં સાફ થયાં છે. કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરુઆત કરી દીધી છે. કોંગ્રેસના કારમા પરાજય બાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે.
અમદાવાદમાં ગત ચૂંટણી કરતાં પણ આ વખતે કોંગ્રેસને ખૂબજ ઓછી સીટો મળી છે. ટિકીટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કાર્યકરોમાં ભારે નારાજગી પેદા થઈ હતી. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખના હાથમાં રાજીનામું ધરી દીધું હતું. પરંતુ ૨૦૧૫ કરતાં આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયાં છે. જેથી શહેર પ્રમુખ શશીકાંત પટેલે રાજીનામું આપી દીધું છે.પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોએ પક્ષની હાર માટે શહેર પ્રમુખ શશીકાંતને જવાબદાર ઠેરવ્યા હતાં અને તેમની સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને તેમના પુતળા દહન કર્યા હતાં
સુરતમાં બાબુભાઈ રાયકાએ કોંગ્રેસના પરાજયને લઈને રાજીનામું આપી દીધું છે. બાબુભાઈ રાયકાએ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને જણાવ્યું છે કે સુરતની જનતાના જનાદેશને સ્વીકારીને હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ ૧૭ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, ચૂંટણી સમયે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્ય કર્યુ છે, બાકી અમે હાર્યા નથી, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.
જયારે ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો ર્નિણય શિરોમાન્ય છે.તેમણે કહ્યું હતું કે હારની સમીક્ષા કરીશું