જાે બિડેને કોરોનામાં મૃત્યુ પામેલા પાંચ લાખ અમેરિકનોને શ્રધ્ધાંજલિ આપી
વોશિંગ્ટન, દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો ૧૧.૨૨ કરોડથી વધુ થઇ ચુક્યો છે. ૮.૭૭ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચૂક્યા છે. અત્યાર સુધી ૨૪.૮૪ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો પાંચ લાખને પાર થઇ ગયો છે.
અમેરિકાના પ્રમુખ જાે બિડેને આ મહામારીમાં મૃત્યુ પામેલા અમેરિકનોને યાદ કર્યા હતા. વ્હાઇટ હાઉસમાં કેન્ડલ પ્રગટાવી મૌન રાખીને મૃત્યુ પામેલા અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બિડેને કહ્યું કે અમે મજબૂતાઇથી તેનો સામનો કરીશું. આ માત્ર સંખ્યા નહીં, પરંતુ એક પડકાર છે. મહામારી સામે લડવા માટે રાજકારણ અને ખોટી જાણકારીથી બચવુ પડશે. એક વાત કહેવા ઇચ્છીશ કે જે લોકોએ આ મહામારીમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે મને તેમના દર્દનો અહેસાસ છે.
અમેરિકી ઇતિહાસમાં કોઇ એક કારણસર કે કોઇ એક સમયે આટલાં મૃત્યુ થયા નથી. સેકન્ડ વર્લ્ડ વોરમાં લગભગ ૪.૫ લાખ અમેરિકનોનાં મૃત્યુ થયાં હતાં. વિયેતનામ વોરમાં ૫૮,૦૦૦ અને કોરિયા સાથેની જંગમાં ૩૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને આશંકા વ્યક્ત કરી છે કે ૧ જૂન સુધી મહામારીથી મૃત્યુ પામનારનો આંકડો ૫.૮૯ લાખ સુધી પહોંચી શકે છે.
ધ ગાર્ડિયનના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઇટાલીએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ડબ્લ્યુએચઓને મહામારી અંગે યોગ્ય જાણકારી આપી ન હતી, જ્યારે દેશમાં કેસ મળવાના શરૂ થઇ ગયા હતા. દુનિયાના તમામ દેશને ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સનું પાલન કરવું પડતું હોય છે. વર્ષની શરૂઆતમાં બીમારીઓ સાથે જાેડાયેલું સેલ્ફ એસેસમેન્ટ આપવું પડતું હોય છે. ઇટાલીએ ૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ આ રિપોર્ટ આપ્યો હતો, પરંતુ તેમાં ખુદને લેવલ પાંચ પર જણાવ્યું હતું. તેનો અર્થ એ છે કે કોઇ પણ બીમારીથી લડવાની તેની તૈયારી યોગ્ય સ્તર પર છે.