ગોલ્ફર ટાઇગર વુડ્સ ભયંકર કાર અકસ્માતમાં ઘાયલ થયો
નવી દિલ્હી: દુનિયાના જાણીતા ગોલ્ફર ટાઇગર વુડ્સ મંગળવારે એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના એજન્ટથી મળેલી જાણકારી મુજબ, ટાઇગર વુડ્સના પગમાં અનેક ફ્રેક્ચર થયા છે. આ કાર દુર્ઘટના લોસ એન્જેલસમાં થઈ, જ્યાં વુડ્સ પોતાની કાર રોલરોવરને ડ્રાઇવ કરી રહ્યા હતા. લોસ એન્જેલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે અકસ્માત બાદ વુડ્સને આ કારમાંથી બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી. આ દુર્ઘટના ખૂબ ભયાનક હતી. ટાઇગર વુડ્સને ઘણી ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં તેમની સર્જરી થઈ. આ દુર્ઘટનામાં તેમની કાર પણ ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. વુડ્સની કાર અકસ્માત સ્થળે જાેઈ શકાય છે કે તેમની કારનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. એરબેગ ખુલેલી જાેવા મળી રહી છે. બીજી તરફ કારનો કાટમાળ એક પહાડી પર રસ્તા કિનારાથી દૂર જાેવા મળી રહ્યો છે. ટાઇગર વુડ્સનું પહેલું નામ એડરિક છે. તેઓ એકલા આ કારમાં ડ્રાઇવ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ ૪૫ વર્ષીય વુડ્સની કારનો અકસ્માત મંગળવાર સવારે ૭.૧૫ વાગયાની આસપાસ થયો. વુડ્સ ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા.
આ દરમિયાન કાર અનિયંત્રિત થઈને ડિવાઇડરથી ટકરાઈ અને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. ટાઇગર વુડ્સ વિશ્વના સર્વશ્રેષ્ઠ ગોલ્ફરો પૈકીના એક છે. તેઓ અત્યાર સુધીમાં ૧૫ મહત્ત્વની ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા છે. વુડ્સ પહેલાથી જ પોતાની ઈજાઓના કારણે પરેશાન હતા. પીઠના દુખાવાથી છુટકારો મેળવવા માટે ટાઇગરે આ વર્ષે જાન્યુઆરીમાં જ પાંચમી વાર ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન બાદ તેઓ રિકવર કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં જ ગોલ્ફ કોર્સમાં વાપસી માટે તૈયાર હતા. પરંતુ હવે આ અકસ્માત બાદ તેમને લાંબા સમય સુધી ગોલ્ફથી દૂર રહેવું પડી શકે છે.