વ્યાજખોરોના ટેન્શનમાં યુવક ઓલઆઉટ પી ગયો
ગાંધીનગર: રુપિયાની ઘણી વખત એવા સમયે જરુર પડી જતી હોય છે કે ત્યારે બેંક કે વ્યાજે નાણા આપતી સંસ્થાઓ તરફથી રુપિયા ના મળતા વ્યક્તિ વ્યાજખોરોનો સહારો લેવો પડતો હોય છે. આવી જ રીતે પોતાની માતાની સારવાર માટે ૪.૫૦ લાખ વ્યાજે લેનારા શખ્સની હાલત કફોડી થઈ પડી છે. યુવકે માતાની સારવાર માટે લીધેલા રુપિયા લોકડાઉન દરમિયાન ચુકવવા મુશ્કેલ બની જતા વ્યાજખોરોએ તેની પાસે રુપિયા પોણા ત્રણ કરોડની માગણી કરી હતી. આ યુવકને વ્યાજના ચક્કરમાંથી બહાર આવવાનું મુશ્કેલ લાગતા આખરે તેણે ઓલઆઉટ ગટગટાવ્યું હતું.
૨૫ વર્ષના રવિ ચીનુભાઈ પટેલને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સારવાર બાદ યુવકે ત્રણ વ્યાજખોરો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રવિની ફરિયાદ પ્રમાણે તે ભાટ ગામમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે.
તે સ્કૂલના બાળકોને લેવા મુકવાનું કામ કરે છે. ભાટ ગામની સીમમાં તેના બાપ-દાદાની જમીન છે જેમાં તે ખેતી કરે છે. માતાને ફેફસાની બીમારી થતા તેણે ૨૪ જુલાઈ ૨૦૧૯માં અમીયાપુરમાં રહેતા પરિચિત સતીષ મસરુભાઈ ભરવાડને વાત કરી હતી. સતીષભાઈએ ચાંદખેડામાં ભરત ભુરાભાઈ ભરવાડ પાસેથી ૧૦% વ્યાજે ૪.૫૦ લાખ રુપિયા અપાવ્યા હતા. ભરત ભરવાડે ગાંધીનગર કોર્ટની બહાર જમીન મુદ્દે નોટરી કરાવી હતી. આ પછી રવિએ સતીષ ભરવાડ પાસેથી ૧૦% વ્યાજે ૧૧ લાખ લીધા હતા.
આ પછી ઝુંડાલ સર્કલ પર બેસતા રાજુભાઈ રબારી પાસેથી ૩ લાખ ૧૦% વ્યાજ પર લીધા હતા. આવામાં લોકડાઉન આવી જતા યુવકની મુશ્કેલી વધી ગઈ. જેની સામે રાજુભાઈ રબારીએ રુપિયા ૨૫ લાખની માગણી કરી અને ભરત ભરવાડે યુવકની જમીન મુદ્દે કોર્ટમાં દાવો કર્યો છે. રુપિયાનું વ્યાજ ચડતું જતું હતું અને વારસામાં મળેલી જમીન પણ જતી દેખાતા પરિવારના સભ્યો સમાધાન માટે મળવા માટે પહોંચ્યા હતા.
જાેકે, નાણા ચૂકવવાનું કઠીન લાગતા અને બીજાે કોઈ રસ્તો ના દેખાતા રવિએ ઘરમાં ઓલઆઉટ ગટગટાવ્યું હતું. આ ઘટના બાદ રુમમાં બંધ થઈ ગયેલા યુવકને દરવાજાે તોડીને બહાર કાઢ્યો તો તે અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સાબરમતીમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભાનમાં આવ્યા બાદ યુવકે ત્રણ વ્યક્તિઓ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમની સામે પોલીસે ફરિયાદ નોંધીને જમીન પચાવી પાડવાની ધમકીનો મુદ્દો પણ નોંધ્યો છે.