અરવલ્લી : હીટ એન્ડ રનની ઘટનામાં મહિલા લકઝરી નીચે કચડાઈ
માલપુરમાં કારનું ટાયર ફાટતા રોડ નજીક કાર,રીક્ષા અને નાસ્તાની લારીને ટક્કર મારી
અરવલ્લી જીલ્લાના માર્ગો અકસ્માતની ઘટનાના પગલે સતત રક્તરંજીત બની રહ્યા છે મોડાસા-શામળાજી રોડ પર જીવણપુર બસ સ્ટેન્ડ નજીક વધુ એક હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી પુત્રની રાહ જોઈ રહેલી માતાને લકઝરી બસે ટક્કર મારતા રોડ પર પટકાયેલ મહિલાના માથાના ભાગે તોતીંગ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે કામકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અન્ય એક અકસ્માતમાં માલપુર બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક રહેલી નાસ્તાની લારી,રીક્ષા અને કારને ધડાકાભેર ટક્કર મારતા ભારે અફડાતફડી મચી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મંગળવારે રાત્રે મોડાસા-શામળાજી રોડ પર આવેલ જીવણપુર બસ સ્ટેન્ડ પર પુત્રની રાહ જોઈ ઉભા રહેલા દાવલી ગામના સવિતાબેન નામની મહિલાને લકઝરી બસના ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મહિલા લકઝરી બસની ટક્કરે રોડ પર પટકાતા બસના ટાયર મહિલાના માથા પર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
અકસ્માત સર્જી લકઝરી બસનો ચાલક લકઝરી સાથે ફરાર થઇ ગયો હતું અકસ્માતની ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા પુત્ર પણ આવી પહોંચતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું.
અકસ્માતની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અકસ્માતની ઘટનાને અંજામ આપી ફરાર લકઝરી બસના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
માલપુર બસ સ્ટેન્ડ નજીક હરિયાણા થી સુરત પરત ફરી રહેલ યુવકની સ્વીફ્ટ કારનું ટાયર ધડાકાભેર ફાટતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી સાઈડમાં ઉભી રહેલી રીક્ષા અને કારને અડફેટે લઇ રોડ નજીક ઉભેલી નાસ્તાની લારી સાથે ધડામ કરતી ભટકતા લોકોમાં નાસભાગ મચી હતી
સદ્નસીબે નાસ્તાની લારી પર કોઈ ગ્રાહક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અકસ્માતમાં કારના આગળના ભાગનો કડૂચલો વળી ગયો હતો સદનસીબે કાર ચાલક યુવકનો પણ આબાદ બચાવ થયો હતો બેકાબુ બનેલ કારે બે વાહનો અને નાસ્તાની લારીને અડફેટે લેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતમાં કોઈ અઘટીત ઘટના ન બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો માલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી