અમદાવાદ મનપામાં ચાર દાયકા બાદ બે વિપક્ષ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ ચાર દાયકા બાદ બે વિપક્ષનો સામનો શાસક પક્ષને કરવાનો રહેશે. ર૦ર૧ની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે “મીમ” પણ વિપક્ષ તરીકે સદનમાં રહેશે. અગાઉ ૧૯૮૦-૮૧માં કોંગ્રેસ પાર્ટી સત્તાસ્થાને હતી
તે સમયે જનતાદળ અને ભારતીય જનતા પાર્ટી એમ બે વિરોધ પક્ષની સદનમાં હાજરી જાેવા મળી હતી તે સમયે જનતા પક્ષના નેતા તરીકે રમણભાઈ પટેલ અને ભાજપ નેતા પદે સ્વ. જયેન્દ્રભાઈ પંડિત હતા. ર૦૧૦માં એન.સી.પી.ના બે કોર્પોરેટરો પણ ચૂંટણી જીત્યા હતા પરંતુ સદનમાં તેમની મજબુત ઉપસ્થિતિ જાેવા મળી ન હતી,
આમ, મ્યુનિ. કોર્પોરેશનમાં ૪૦ વર્ષ પછી બે વિરોધ પક્ષની હાજરી રહેશે. જે પૈકી કઈ પાર્ટીની રજુઆત પ્રજાલક્ષી રહેશે તે જાેવું રસપ્રદ રહેશે. સદનમાં બે વિપક્ષની સાથે એક અપક્ષની હાજરી પણ રહેવાની છે. “મીમ”ના સાત સભ્યો પૈકી બે સભ્ય મુશ્તાક ખાદીવાળા અને રફીક શેખ કોંગ્રેસ તરફથી કોર્પોરેટર પદે રહી ચુકયા છે તથા કોર્પોરેશનની કાર્યપધ્ધતિના જાણકાર છે તેથી “મીમ”ના સભ્યોને તકલીફ થાય તેવી શક્યતા નહીવત્ છે.