અમદાવાદમાં ખાડીયા લેવાની લ્હાયમાં કોંગ્રેસે જમાલપુર ગુમાવ્યું
કોંગ્રેસના મજબુત ગઢ માનવામાં આવતી જમાલપુર વિધાન સભામાં જ પાર્ટીની ઈજ્જતના લીરા ઉડ્યા છે. જમાલપુર વિધાનસભાના ખાડીયા અને જમાલપુર એમ બંન્ને વોર્ડમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે. જેમાં જમાલપુર વોર્ડનો પરાજ્ય પાર્ટી માટે વજ્રઘાત સમાન છે.
જમાલપુર વોર્ડની એક આગળવી પરંપરા એ રહી છે કે અહીં દરેક ચૂંટણી સમયે અસંતુષ્ટોનો સામનો કરવાનો રહે છે. ર૦૧૦ની ચૂંટણી સમયે ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાની બાદબાકી કરાવી હતી તે સમયથી આ બંન્ને મહાનુભાવો એકબીજાને હરાવવા હંમેશા તત્ત્પર રહે છે.
ર૦૧૦માં ખેડાવાલા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તથા દસ હજાર કરતા વધુ મત મળ્યા હતા. પરંતુ જીતી શકયા નહોતા. ર૦૧રની વિધાન સભા ચૂૃંટણીમાં કાબલીવાલાની ટીકીટ કપાતા તેઓ અપક્ષ લડયા હતા. જેનો ફાયદો ભાજપને મળ્યો હતો. ર૦૧પની મ્યુનિસિપલ ચૂંટણીમાં ખેડાવાલ વધુ એક વખત અપક્ષ રીતે ચૂૃટણી લડ્યા હતા. તથા ચુૃંટણી જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જાેડાઈ ર૦૧૭માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ર૦૧પની ચૂંટણીમાં કોંગ્રેસના કાદરીબેન, રઝીયા સૈયદ અને શાહનવાઝ શેખ જીત્યા હતા. ર૦ર૧ માં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાદ અગમ્ય કારણોસર શાહનવાઝ શેખને ખાડીયા મોકલવા નિર્ણય લેવામા આવ્યો હતો. તેમની સાથે રઝીયા સૈયદને ખાડીયામાંથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો.
જયારે શાહપુરના ધારાસભ્યના અંગત માનવામાં આવતા તેમના શાહપુરના પાયાના કાર્યકર ઝૂનૈદ શેખને જમાલપુરમાંથી ટીકીટ આપવામાં આવી હતી. કોેગ્રેસ અને ધારાસભ્ય ખેડાવાલાના આ નિર્ણય ખોટા સાબિત થયા છેે શાહનવાઝ શેખનો વોર્ડ બદલવામાં આવતા જુના જમાલપુરમાં કોંગ્રેસ વિરોધી માહોલ સર્જાયો હતો.
તેમજ તેમના કાર્યકરો ખાડીયામાં પ્રચાર કામે લાગી ગયા હતા. પૂર્વ કોર્પોરેટર સ્વ.યુસુફભાઈ સૈયદના પુત્રએ ટીકીટ માંગી હતી. તેની પણ બાદબાકી થતાં સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો. તેવી જ રીતે છીપા સમાજમાંથી મજબુત ઉમેદવારની પસંદગી થઈ નહોતી. જેની સામે ‘મીમ’ દ્વારા કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. સાથે સાથે સાબિર કાબલીવાલાએ પણ રાજકીય બદલો લેવા તનતોડ મહેનત કરી હતી. કોગ્રેસમાં ટીકીટ વહેચણી મુદ્દે ધારાસભ્ય સામે અસંતોષનું વાતાવરણ થયુ હતુ. જે ર૩ ફેબ્રુઆરીએ જાેવા મળ્યુ હતુ.
ભાજપના ગઢ ખાડીયામાં કોંગ્રેસ માટે સારી તક હતી. શાહનવાઝ શેખને ખાડીયામાંથી મેન્ડેટ આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા. જ્યારે ખાડીયામાં લઘુમતિ સમાજના બે ઉમેદવારોને ટીકીટ આપવાનો દાવ પણ ઉંધો પડ્યો હતો. જયારે પરીણામ જાહેર થયા બાદ ચાલી રહેલી ચર્ચા મુજબ ખાડીયામાં પેનલ લડવાના બદલે ઉમેદવારો લડ્યા હતા. જેના કારણે દેવર્ષિ શાહનો માત્ર બે હજાર મતથી પરાજ્ય થયો હતો.
કોંગ્રેસેે ખાડીયામાં પગપેસારો કરવાની લ્હાયમાં જમાલપુર પણ ગુમાવ્યુ છે. જેની અસર ર૦રર વિધાન સભાની ચૂંટણી સમયે પણ જાેવા મળી શકે છે. મ્યુનિસિપલ ચૂંટણીમાં ‘મીમ’ના ઉમેદવારોને જીત અપાવીને કાબલીવાલાએ વિધાન સભાનો માર્ગ સરળ બનાવ્યો છે. જ્યારે ઈમરાન ખેડાવાલા માટે ર૦રરમાં કપરા ચઢાણ રહેશે. જેનું બીજુ કારણ એ છે કે કોંગ્રેસના જ કેટલાંક મોટામાથા ર૦રરમાં જમાલપુરમાંથી ચૂંટણી લડવા થનગની રહ્યા છે. જેમાં એક કોર્પોરેટર અને એક ધારાસભ્ય હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.