Western Times News

Gujarati News

મ્યુનિ. કોંગી નેતાની પસંદગી મામલે એક ધારાસભ્યની જ મરજી ચાલશે !

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામ જાહેર થયા બાદ ભાજપમાં હોદ્દેદારો તરીકે કોની નિમણૂંક થશે? તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ માટે પાંચ હોદ્દેદારોની નિમણૂંક મામલે જેટલી ચર્ચા અને વિવાદ નહીં થાય તેથી વધુ વિવાદ કોંગ્રેસના એક નેતાની નિમણૂંક માટે થઈ શકે છે. ગત્‌ ટર્મ પૂર્ણ થવાના એક મહીના પહેલા જ કોંગ્રેસને નેતા બદલવાની ફરજ પડી હતી તે સમયે કોંગ્રેસના ચાર ધારાસભ્યો બે-બે ના જુથમાં વહેચાયા હતા પરંતુ નવી ટર્મમાં નેતા નિમણૂંક મામલે માત્ર એક ધારાસભ્યની જ “મરજી” ચાલશે તેવી ચર્ચા વેગ પકડી રહી છે.


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા ૧૯ હોય કે ૪૯ હોય, વિપક્ષી નેતાના પદ માટે હંમેશા મગજમારી રહે છે. ર૦૧૦ની ચૂંટણી બાદ સ્વ. બદરૂદ્દીન શેખની વિપક્ષી નેતા તરીકે નિમણૂંક થઈ હતી પરંતુ પાંચ વર્ષની ટર્મ માં તેમને બદલવા અનેક વખત રજુઆતો થઈ હતી તથા કોંગી કોર્પોરેટરોની બંધ બારણે બેઠકો પણ થઈ હતી પરંતુ તે સમયે અહેમદ પટેલ મક્કમ હોવાથી બળવાખોરો ફાવ્યા ન હતા.

ર૦૧પમાં પણ વિપક્ષી નેતાની નિમણૂંક પહેલા માથાકૂટ થઈ હતી. અઢી વર્ષ બાદ નેતા બદલવાની શરતે દિનેશ શર્માની નિમણૂંક થઈ હતી. ર૦૧૭ વિધાનસભા ચૂંટણીપૂર્ણ થયા બાદ વિપક્ષી નેતા બદલવાની માંગણીએ જાેર પકડયુ હતું. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના સમર્થનથી વિપક્ષી નેતા પદે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણની નિમણૂંક માટે રજુઆત કરી હતી પરંતુ કોંગ્રેસના સીનીયર કોર્પોરેટરોને આ નામ માન્ય ન હોવાથી વાત અટકી ગઈ હતી. કોરોના કાળમાં સીનીયર કોર્પોરેટર બદરૂદ્દીનભાઈ શેખના અવસાન બાદ શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે વધુ એક વખત નેતા બદલવા માટે માંગણી કરી હતી.

મ્યુનિ. ચૂંટણી નજીક હોવાથી તેમની માંગણીનો સ્વીકાર થાય તેવી કોઈ શક્યતા ન હતી પરંતુ રાજયસભા ચૂંટણીના કારણે ચિત્ર બદલાયુ હતું તથા દિવાળી પહેલા દિનેશ શર્માના સ્થાને નવા નેતાની નિમણૂંક કરવા કોંગ્રેસ નેતાગીરીએ લીલીઝંડી આપી હતી પરંતુ એક માસ માટે નેતા બનવા કોઈ તૈયાર થયા ન હતા, તેથી બહેરામપુરાના સીનીયર મહીલા કોર્પોરેટર કમળાબેન ચાવડાની નેતાપદે નિમણૂંક કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યા મુજબ નવી ટર્મના અઢી વર્ષ માટે પણ તેમને મહત્વનો હોદ્દો આપવામાં આવે તે શરતે જ કમળાબેન એક મહીના માટે નેતા બનવા તૈયાર થયા હતા. ચૂંટણી પહેલા કોંગી નેતાઓએ કમળાબેનની શરત સ્વીકારી હતી પરંતુ પરીણામ બાદ ચિત્રમાં બદલાવ આવે તેવી શક્યતા જાેવા મળે છે.

કોંગ્રેસ પક્ષના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ કોંગ્રેસના ચાર ધારાસભ્યો પૈકી એકમાત્ર શૈલેષ પરમારના જ તમામ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. મ્યુનિ. વિપક્ષી નેતા પદ માટે શૈલેષ પરમારની પહેલી પસંદગી શહેજાદખાન પઠાણ છે કમળાબેન ચાવડાની પસંદગી “ખાલી જગ્યા” ભરવા માટે થઈ હતી. નવી ટર્મમાં વિપક્ષી નેતા પદ માટે શૈલેષ પરમાર તરફથી શહેજાદખાનના નામની દરખાસ્ત રજુ થઈ શકે છે.

જેની સામે કમળાબેન ચાવડાને ઉચ્ચ નેતાગીરી દ્વારા “વચન” આપવામાં આવ્યુ છે. જાેકે શહેજાદખાન અને કમળાબેન ચાવડા બંને કોર્પોરેટરો શૈલેષ પરમાર જુથના હોવાથી અંતિમ નિર્ણય ધારાસભ્યનો રહેશે તેમ માનવામાં આવે છે. ભાજપના દલિત સમાજના મેયર સામે કોંગ્રેસ પણ દલિત સમાજના નેતાની પસંદગી કરી તેનું વચન પુર્ણ કરે છે કે પછી ર૦રરની વિધાનસભા ચૂંટણીમાં માત્ર “મીમ”ને ટક્કર આપવાના હેતુથી શહેજાદખાનને તક આપે છે

તે જાેવું રસપ્રદ રહેશે. ચાર ધારાસભ્યો પૈકી હિંમતસિંહ પટેલ અને ઈમરાન ખેડાવાળા એમ બે ધારાસભ્યો પાસે દરખાસ્ત કરવા માટે કોર્પોરેટર પણ રહયા નથી. જાેકે કોંગ્રેસ પાર્ટી યુવા, અભ્યાસુ અને સોફટ હિન્દુત્વ ચહેરાને તક આપવા ઈચ્છતી હશે તો નીરવ બક્ષી મજબુત દાવેદાર રહેશે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા નીરવ બક્ષીની દાવેદારીને મજબુત સમર્થન મળશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું
પ્રદેશ નેતાગીરી “વચન” પાળશે કે “મીમ” ફેકટરને ધ્યાનમાં લેશે ? : ચર્ચાનો વિષય હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.