નિરવ મોદીને રાખવા મુંબઈની આર્થર રોડ જેલમાં તૈયારીઓ
મુંબઇ: પંજાબ નેશનલ બેંકને અબજાે રુપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયેલા નિરવ મોદીને હવે ભારત લાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ચૂક્યો છે. યુકેની કોર્ટે નિરવ મોદીને ભારત ભેગો કરવાની આખરી મંજૂરી માટે કેસને યુકે સરકારને મોકલી દીધો છે. બીજી તરફ, આ વીઆઈપી કેદીને રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાં ખાસ તૈયારીઓ પણ થઈ ગઈ છે.
સૂત્રોનું માનીએ તો, નિરવ મોદીને બે માળની બેરેક નંબર ૧૨ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ત્રણમાંથી એક સેલમાં રાખવામાં આવી શકે છે. અજમલ કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો ત્યાં સુધી તેને આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો.
નિરવ મોદી અને તેની જેમ જ બેંકોને નવડાવીને બ્રિટન ભાગી જનારા વિજય માલ્યાને ભારત લાવવા માટે આ સેલમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણ સેલમાંથી એક સેલ હાલ સ્ટોર રુમ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જ્યારે બેને નિરવ મોદી અને વિજય માલ્યા માટે ખાલી રખાયા છે.
આર્થર રોડ જેલમાં ૨૫૦૦ જેટલા કેદીઓ રાખવામાં આવ્યા છે. જાેકે, તેનાથી આ સેલ અલગ છે. તેમાં હાઈ સિક્યોરિટીને સુનિશ્ચિત કરતી તમામ વ્યવસ્થા છે, જેમાં સીસીટીવી કેમેરા તેમજ હથિયારધારી ગાર્ડ્સનો સમાવેશ થાય છે. જેલની ડિસ્પેન્સરીથી તે ૧૦૦ મીટર દૂર છે. જાે કોર્ટે ટિફિન માટે મંજૂરી ના આપી તો નિરવ મોદીને કેદીઓ દ્વારા જ બનાવાયેલું જમવાનું આપવામાં આવશે.
નિરવ મોદી અને અન્યો વિરુદ્ધ સીબીઆઈએ ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કેસ કર્યો હતો, જેમાં તે વખતના પંજાબ નેશનલ બેંકના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેમના પર ગુનાઈત કાવતરું રચવા ઉપરાંત બેંક સાથે બનાવટી દસ્તાવેજાે દ્વારા અબજાે રુપિયાની ઠગાઈ કરવાનો પણ આરોપ છે.
બેંક સાથે લાંબા સમય સુધી છેતરપિંડી કરતો રહેલો નિરવ મોદી બ્રિટન ભાગી ગયો છે તેનો ખુલાસો પણ આ કાંડ બહાર આવ્યો તેના ખાસ્સા સમય બાદ થયો હતો. આખી દુનિયામાં જ્વેલરી શોરુમ્સ ધરાવતા નિરવ મોદીનું એક સમયે મોટું નામ હતું. જાેકે, તેના કૌભાંડો બહાર આવવા લાગ્યા ત્યારબાદ તેના પર નકલી ડાયમંડ જ્વેલરી વેચવાનો પણ આરોપ લાગ્યો હતો.
ઈડી દ્વારા મુંબઈમાં આવેલા તેના મોંઘાદાટ ફ્લેટ્સ, લક્ઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરાયા હતા, તેમજ તેના અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નિરવ સાથે તેનો મામો મેહુલ ચોક્સી પણ આ કૌભાંડમાં સામેલ છે. જાેકે, તેને ભારત લાવવાના મામલે હજુ સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી.