Western Times News

Gujarati News

યુસુફ પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી

વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુસુફ પઠાણે ભારત માટે ૫૭ વન-ડે અને ૨૨ ટી૨૦ મેચ રમી હતી. ૨૦૧૧ની વર્લ્‌ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલો વડોદરાના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણ ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો. ૨૦૧૨થી તે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો. જાેકે, આ દરમિયાન તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતાની વિસ્ફોટક બેટિંગ વડે ક્રિકેટપ્રેમીઓનું મનોરંજન કરતો રહ્યો હતો.

આઈપીએલ-૨૦૧૦મા યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ૩૭ બોલમાં સદી ફટકારી હતી જે આઈપીએલની બીજી સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં છેલ્લે તે ૨૦૧૯મા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધા બાદ ૨૦૨૦ની સિઝન માટે યોજાયેલી હરાજીમાં તેને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.

યુસુફ પઠાણે શુક્રવારે પોતાના ટિ્‌વટર પેજ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશનો આભાર માનું છું જેમણે હંમેશા મને પ્રેમ આપ્યો અને મારો સપોર્ટ કર્યો. તેણે આ પોસ્ટ સાથે એક લેટર પણ અપલોડ કર્યો છે જેમાં તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

યુસુફ પઠાણે ભારત માટે ૪૧ વન-ડે રમતા ૮૧૦ રન નોંધાવ્યા છે જેમાં મોટા ભાગે તેણે ફિનિશરની ભૂમિકા ભજવી છે. તેણે ત્રણ અડધી સદી અને બે સદી ફટકારવા ઉપરાંત ૩૩ વિકેટ પણ ઝડપી હતી. ૧૮ ટી૨૦ ઈનિંગ્સમાં તેણે ૧૪૬.૫૮ની સ્ટ્રાઈક રેટ સાથે ૨૩૬ રન નોંધાવ્યા છે અને ૧૩ વિકેટ ઝડપી હતી.

આઈપીએલમાં યુસુફ પઠાણે કુલ ૧૭૪ મેચ રમી છે જેમાં તેણે ૩૨૦૪ રન નોંધાવ્યા હતા. જેમાં તેની સ્ટ્રાઈક રેટ ૧૪૩ની નજીક રહી છે. આઈપીએલમાં તેણે ૧૩ અડધી સદી અને ૧ સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે ૪૨ વિકેટ પણ પોતાના નામે કરી હતી.

યુસુફ પઠાણે ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ૨૦૦૭મા તેણે રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ૨૦૨૧ અને ૨૦૧૪મા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેણે ટ્રોફી જીતી હતી.

વડોદરાના સ્ટાર ખેલાડીએ ૧૦૦ ફર્સ્‌ટ ક્લાસ, ૧૯૯ લિસ્ટ-એ તથા ૨૭૪ ટી૨૦ મેચ રમી હતી. જેમાં તેણે ૧૪,૦૦૦થી વધારે રન નોંધાવ્યા છે જ્યારે તમામ ફોર્મેટમાં તેણે ૪૦૦થી વધુ વિકેટ પોતાના નામે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.