પતિ પત્નીને છુટાછેડા આપવા માટે દબાણ કરતા ફરિયાદ
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારથી જ તેનો પતિ સારી રીતે રહેતો ન હતો અને પતિ પત્નીના જેવા સંબંધો હોય તેવા સંબંધો નિભાવતો ન હતો. આટલું જ નહીં પુત્રને જન્મ આપ્યા બાદ પતિ મસકત નોકરી માટે ગયો હતો અને બાદમાં પત્નીને “તું મને ગમતી નથી, છૂટાછેડા આપી દે” કહીને ત્રાસ ગુજાર્યો હતો. બાળકને દૂધ પીવડાવવા માટે પણ પતિ ઝગડા કરતો હતો. જ્યારે નોકરી છૂટી ગઈ ત્યારે પતિએ પત્નીના દાગીના પણ વેચી દીધા હતાં. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા મહિલા પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી છે.
નવા નરોડામાં પિયરમાં રહેતી ૩૪ વર્ષીય યુવતી પોણા બે વર્ષથી પુત્ર અને પિયરજનો સાથે રહે છે. વર્ષ ૨૦૦૭મા આ યુવતીના લગ્ન થયા હતા બાદમાં તે સાસરીયાઓ સાથે મહેસાણા રહેવા ગઈ હતી. બાદમાં બોપલ રહેવા આવી હતી. લગ્નના થોડા સમય બાદ આ મહીલાએ પુત્રને જન્મ આપ્યો હતો અને બાદમાં તે પતિ સાથે વાડજ રહેવા ગઈ હતી. પુત્રના જન્મ બાદ આ મહિલાનો પતિ પત્ની સાથે સારી રીતે રહેતો ન હતો. તે પત્ની સાથે પતિના સબન્ધ હોય તેમ રહેતો પણ ન હતો. આ બાબતે મહિલાએ સાસુ સસરાને વાત કરતા સારું થઈ જશે તેવો દિલાસો આપ્યો હતો. અવાર નવાર નોકરીનું બહાનું કાઢી મહિલાનો પતિ મોડે સુધી ઘરની બહાર રહેતો હતો.
ઘરની બહાર મોડે સુધી રહેવાનું મહીલા તેના પતિને પૂછે તો તેની સાથે ઝગડો કરી માર મારતો હતો. જેથી આ મામલે સાસુ સસરાને મહિલાએ વાત કરતા તેઓએ તેમના પુત્રનું ઉપરાણું લીધું હતું. બાદમાં તમામ ઘરકામ કરતી હોવા છતાં મહિલાને સાસુ સસરાએ ત્રાસ આપતા હતા. પુત્રના જન્મ બાદ પતિનું આ મહીલા પ્રત્યેનું વર્તન બદલાતું જતું અને પતિએ વાત કરવાનું પણ બન્ધ કરી પતિ પત્નીના જેવા સંબંધો હોય તે રિતે વર્તતા ન હતા. આટલું જ નહીં એ બાબતોને લઈને સાસુ સસરા મહિલાને પતિને સમય આપ સારું થઈ જશે તેવો દિલાસો આપતા રહ્યા હતા. પતિના મોજશોખના કારણે તેની નોકરી છૂટી જતા પત્નીના દાગીના વેચી દીધા હતા.