KBCમાં 25 લાખની લોટરીના મેસેજ કરી 1.13 લાખની ઠગાઇ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ગલેસરા ગામની મહિલા સાથે ૧.૧૩ લાખ ની ઠગાઇ થતા મહિલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ શખ્સો સામે પોલીસ ફરીયાદ કરવામા આવી છે તો પ્રાંતિજ પોલીસે ગુનોનોધી તપાસ હાથ ધરી .
પ્રાંતિજ ના ગલેસરા ગામની એક મહિલાના મોબાઇલ ફોન પર વોટસએપથી રૂ.૨૫ લાખ કા લોટરીના મેસેજ મોકલી ગઠિયાઓએ મહિલાને ભોળવી જૂન ૨૦૨૦થી જુલાઇ ૨૦૨૦ દરમિયાન વિવિધ ખાતાઓમાં રૂ.૧.૧૩ લાખની માતબર રકમ ભરાવી ઠગાઇ આચરવાનો મામલો બહાર આવ્યો છે.
ઠગાઇનો ભોગ બનનાર મહિલાને રૂા.૨૫ લાખની લોટરી, ગાડી કે વિવિધ ખાતાઓમાં જમા કરાવેલ રૂા.૧.૧૩ લાખની રકમ પરત ન મળતા વિશ્વાસઘાત સાથે ઠગાઇના મામલે શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસકર્મીઓ પણ સમગ્ર ઘટનાને જાણી અચંબામાં મૂકાઇ ગયા હતા.
પ્રાંતિજ તાલુકાના ગલેસરા (ગલતેશ્વર) ગામે રહેતા ગૃહિણી પાર્વતીબેન શૈલેષકુમાર પરમારના મોબાઇલ નંબર પર વોટસએપથી બધાઇ હો કેબીસી કૌન બનેગા કરોડપતિસે આપ જીતે હૈ રૂ.૨૫ લાખ કા લોટરી લખાણ લખેલો ફોટો આવ્યો હતો. જે ફોટામાં મોબાઇલ નંબર લખેલો હોઇ પાર્વતીબેને આ નંબર પર ફોન કરતા જીયો કંપનીમાંથી રાણા પ્રતાપસિંહ બોલુ છું તેમ કહી તેમનું આધારકાર્ડ અને આઇ.ડી. પ્રૂફ મોકલી આપો તેવું જણાવાયું હતું.
ત્યારબાદ ફોન પર વાત કરનાર શખ્સે મહિલાને વિશ્વાસમાં લઇ પ્રથમ ફાઇલ ચાર્જના રૂા.૮ હજાર બેંક ખાતા નં.૬૦૧૫૮૧૦૧૧૦૦૧૩૫૭૯ માં જમા કરાવડાવી પાર્વતીબેનને રૂા.૨૫ લાખની લોટરી સાથે ગાડીની લાલચ આપી હતી. રૂા.૨૫ લાખની લોટરી સાથે ગાડીની લાલચમાં ગલેસરાની મહિલાએ તા.૧૭ જૂન ૨૦૨૦ થી તા.૯ જુલાઇ ૨૦૨૦ દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં અલગ અલગ દિવસે રૂા.૧.૧૩ લાખ ઠગ ટોળકીએ જમા કરાવ્યા હતા. મહિલા દ્વારા ગઠિયાઓએ જણાવેલા વિવિધ બેંક ખાતાઓમાં રૂ.૧.૧૩ લાખ જમા થઇ ગયા બાદ પણ જુદા જુદા બહાને મહિલાને લાલચમાં લલચાવી ભરોસો કેળવી વધુ પૈસા પડાવવાની યુકિતઓ પણ અજમાવી હતી.
ત્યારબાદ મહિલાએ લાગેલા રૂ.૨૫ લાખની લોટરી, ગાડી તેમજ વિવિધ બેન્ક ખાતાઓમાં જમા કરાવેલ રૂ.૧.૧૩ લાખની રકમ માગતા ગઠિયાઓએ ડીંગો બતાવી દેતા મહિલાને લોટરી, ગાડીના નામે પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ થયાનો અહેસાસ થતા તેણે સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત અરજી આપ્યા બાદ શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મુન્નાભાઇ નામનો શખ્સ , બેંક મેનેજરની ઓળખ આપનાર શખ્સ , રાણાપ્રતાપસિંગ વિષ્ણુપ્રતાપસિંગ ત્રણેય શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર શરૂ કર્યો.